20 હુમલા બાદ પકડાયેલાં વાનરને શાંતિપ્રાર્થના સાથે પાંજરે પૂરી વિદાય આપી

નવસારી- ભારે ગરમીની અસર માનવને જ નહીં સૌ પ્રાણીઓને થાય તે સ્વાભાવિક છે. કિસ્સો નવસારીના સુપા અને કુરેલ ગામના ધમાલે ચડેલાં વાનરના સંદર્ભનો છે. જેમાં ગામજનો પર છેલ્લાં છ માસથી એક પછી એક 20 લોકો પર હુમલા કરી ભયનું સામ્રાજ્ય ખડું કરનાર વાનરને શાંતિની પ્રાર્થના સાથે પાંજરે વિદાય આપવામાં આવી હતી.

વનવિભાગે મહામહેનતે ઝડપેલ વાનર છ માસથી સુપા અને કુરેલ ગામના લોકો પર રીતસરના હુમલા બોલાવતો હતો જેમાં એક બાઇકસવાર અને એક વૃદ્ધા પરના હુમલાનો વિડીયો ખૂબ વાઇરલ પણ થયો હતો. આ વાનર બે દિવસની મહેનત બાદ પકડાયો હતો. તેની આરતી ઉતારીને ગ્રામજનોએ વનવિભાગને સોંપ્યો હતો અને રાહતના શ્વાસ લીધાં હતાં. જાણવા જેવું એ છે કે આ વાનર અચાનક ગામમાં આવી ચડ્યો ન હતો પરંતુ ગામમાં જ રહેતો હતો. તેના હિંસક વર્તાવ અંગે જાણકારોનું કહેવું હતું કે કદાચ ગરમીના લીધે વાનર હિંસક બન્યો હોઇ શકે છે.