નર્મદા જળસંકટઃ ગુજરાત સરકારે કેન્દ્ર પાસે માગી મદદ

ગાંધીનગર/નવી દિલ્હી– ગુજરાતમાં નર્મદાના પાણીનું સંકટ ઘેરાયું છે. ગુજરાત સરકાર સત્તાવાર રીતે જાહેર કરી ચૂકી છે કે આ વર્ષે ઉનાળામાં નર્મદાના પીવાના પાણીમાં કાપ આવશે, તે પછી ખેડૂતોને સિંચાઈ માટે અને ઉદ્યોગો માટે નર્મદાનું પાણી નહી મળે. આ વિકટ સ્થિતી વચ્ચે ગુજરાતની સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદનો પોકાર કર્યો છે.ગુજરાત સરકારે માગ કરી છે કે કેન્દ્ર મધ્યપ્રદેશને સૂચના આપે કે તે નર્મદાનું પાણી મોટા પ્રમાણમાં રીલિઝ કરે, જેનાથી ગુજરાતમાં પીવાના પાણીની તંગી ઉભી ન થાય.

નર્મદા વિભાગના એસીએસ ડાગુર મંગળવારે કેન્દ્ર સરકારના અધિકારીઓને મળ્યા હતા, અને રાજ્યમાં ઉભી થયેલી પાણીની તંગી અંગે માહિતીગાર કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકાર અને નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને વિનંતી કરી છે કે ગુજરાત માટે નર્મદા નદીમાં વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવે.

સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પીએમઓને આ બાબતે માહિતગાર કરીને અપીલ કરી છે, પીએમઓઓ પાણી પુરવઠા વિભાગને આ બાબતે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે. વીતેલા વર્ષની સરખામણીએ સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી આવતાં પાણીના જથ્થામાં ઘટાડો થયો છે. માટે અમે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે મધ્યપ્રદેશથી આવતાં પાણીના સપ્લાયમાં વધારો કરવામાં આવે, કેન્દ્રએ અમારી માગ સાંભળી છે, અને હસ્તક્ષેપ કરવાનું આશ્વાસન આપ્યું છે.