ભરૂચ – નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમમાં ડેમથી ભાડભૂત સુઘી પાણીનો પ્રવાહ સતત ઘટી રહ્યો છે. અને તેના કારણે પાણીની તંગી વર્તાઈ રહી છે ઉપરાંત દરિયાનું પાણી ધસી આવતા અનેક ક્ષેત્રમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. નર્મદા નદીને બચાવવા માટે ભરૂચની સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી છે અને નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તેમજ ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા એન.જી.ટી. માં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
નર્મદા નદી દિન પ્રતિદિન સુકાઈ રહી છે. એક સમયે બંને તરફ વહેતી નર્મદા નદી હાલ નહેર જેવી બની ગઈ છે. એટલું જ નહીં દરિયાનું ખારું પાણી નર્મદા નદીમાં ધસી આવ્યું છે. સરદાર સરોવર ડેમથી ડાઉનસ્ટ્રીમમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડાતાં નદીની આ હાલત થઇ છે. નર્મદા નદીમાં પાણી ન છોડાતાં તેની આડ અસરો ઉભી થવા પામી છે. પાણી ન હોવાના કારણે જળચરોને પણ વ્યાપકપણે નુકસાન થવા પામ્યું છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને નર્મદા નદીને મૃતપાય થતી અટકાવવા માટે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ – એન.જી.ટી.માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં નર્મદા નદીમાં પાણીના અપૂરતા પ્રવાહના કારણે ઉભી થયેલી આડઅસરોના વિસ્તૃત અહેવાલ માટે સ્વતંત્ર એક્સપર્ટ કમિટી નીમવા અંગે, તથા કેન્દ્રના પર્યાવરણ વન અને કલાઈમેટ ચેન્જ મંત્રાલયની સંબંધિત વિભાગને ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીના પાણી પર નભતા તમામની જરૂરિયાતને પહોંચી વળાય તેટલો પ્રવાહ અંગેનો અહેવાલ તૈયાર કરવા દાદ કરવામાં આવી છે.
ઉપરાંત નદીના પર્યાવરણને થયેલા નુકસાન અંગેનું એસેસમેન્ટ કરવા અને સરદાર સરોવર બંધથી નર્મદા નદીના બેસીન સુધીના વિસ્તારને ‘ક્રિટિકલ વનરેબલ કોસ્ટલ એરિયા’ જાહેર કરી તેનું જતન કરવાની દાદ માંગવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી ટ્રીબ્યુનલ દ્વારા 1979માં ત્રણ રાજ્ય અંગેના પાણીના વિતરણ માટેની પોલિસી જાહેર કરવામાં આવી હતી જે 45 વર્ષ સુધી એટલે કે વર્ષ 2024 સુધી અમલી રહેશે પરંતુ વર્ષ 1987માં સરદાર સરોવર પ્રોજેક્ટને શરતી પર્યાવરણીય મંજૂરી આપવામાં આવી હતી જેમાં આ પ્રોજેક્ટ દ્વારા થતી અસરોનો સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરી ઉચિત પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું. વર્તમાન 600 ક્યુસેક પાણીને નર્મદા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવે છે જે છેલ્લા 20-25 વર્ષમાં ઉદભવેલી પરિસ્થિતિના સંદર્ભમાં પર્યાપ્ત નથી જેથી તેની પુન:વિચારણા થવી જોઈએ.
જાણવા મળ્યા મુજબ હાલમાં દરિયાનું ખારું પાણી 72 કિ.મી. સુધી પહોંચી ગયું છે જેના કારણે નદી ખારપટમાં ફેરવાઈ ગઈ છે. મત્સ્ય ઉદ્યોગોને પણ માઠી અસર થઈ છે. નર્મદા નદીનો પ્રવાહ બદલાઈ ગયો છે. વર્ષો અગાઉ નર્મદા નદીમાં માઇગ્રેટેડ પક્ષીઓ પણ આવતા હતા જે પણ હવે નહીંવત છે. જમીનોમાં ખારાશ વધતા ફળદ્રુપ ખેતીલાયક જમીન બંજર થઇ છે. ભૂતળમાં ખારાશ વધી ગઈ છે.
એન.જી.ટી.માં જતા પહેલાં સરકાર અને બંધારણીય સંસ્થાઓ સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ રજૂઆતોનો દોર ચાલતો આવ્યો છે. પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ ન આવતા નાગરિકોના પાણીની હકની અને જરૂરિયાતની વાત અને તે સાથે સંકળાયેલી સમસ્યાને ધ્યાનમાં લેતા ન્યાયપાલિકા જ આમાં સાચું માર્ગદર્શન આપીને નદીને બચાવી શકશે એમ માની આ જાહેર હિતની અરજી કરવામાં આવી છે.
નદીમાં પાણી ન હોવું એટલે સામાન્ય નાગરિકના પાણીના હક તેમજ ધાર્મિક અને સામાજિક મૂલ્યો પર તરાપ સમાન છે. નદીને મૃતપાય ન કરી શકાય અને તેને બચાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ દ્વારા ભૂતકાળમાં ઉદ્યોગોનું પાણી નર્મદા નદીમાં ન છોડાય તે માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. અને અનેકવિધ રજૂઆતો કર્યા બાદ અંતે આ પાણી વાહન કરતી લાઈન દરિયામાં છોડવા માટેનો પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો હતો અને નર્મદાને પ્રદુષિત થતી અટકાવવામાં આવી હતી. ત્યારે નર્મદાને બચાવવા માટે વધુ એક વખત ઝુંબેશ ઉપાડવામાં આવી છે.