પૂરની મહામુસીબતઃ હવે મધ્ય ગુજરાત પણ સપડાયું, મહુધામાં સાંબેલાધારે 11 ઇંચ

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે.આજે સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના ૯૩ તાલુકાઓમાં ૧૧ થી ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં ખેડાના મહુધામાં સૌથી વધુ ૧૧ ઇંચ તેમજ ગલતેશ્વરમાં ૮ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ડેડિયાપાડા, છોટાઉદેપુર, ધ્રાંગધ્રા અને રાણપુરમાં ૬ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે.

નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે તંત્ર દ્વારા નર્મદાના કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ અનેક ગામમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.તે ઉપરાંત કઠલાલ, હારીજ, નડીયાદ, ધંધુકા, ગોધરા, જેતપુરપાવી, ઠાસરા, ઉમરેઠ, સરસ્વતી, વઢવાણ, આણંદ, ડેસર, જાંબુઘોડા, હાલોલ, ઉમરપાડા, કરજણ, આમોદ, ઘોઘંબા, પેટલાદ, હળવદ, સમી, બોટાદ, ચુડા, માંગરોળ, ધનસુરા, બરવાળા અને પાટણ એમ કુલ-૨૭ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાવલી, બોરસદ, બોડેલી, ડભોઇ, મૂળી, સોજીત્રા, ખંભાત, સુબિર, તારાપુર, મહેમદાવાદ, ગઢડા, તિલકવાડા, માતર, નાંદોદ, રાણપુર, થાનગઢ, કપડવંજ, વડોદરા, ગરૂડેશ્વર, દસાડા, વાગરા, લખતર અને વસો એમ કુલ ૨૩ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ થયો છે,જ્યારે ૩૭ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ, ૪૮ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ જ્યારે ૪૨ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

મુખ્યત્વે વડોદરા, તાપી અને સુરત તેમજ ભરુચ જીલ્લાના ગામોમાં જો વધારે વરસાદ પડે તો સ્થિતી ગંભીર બની શકે છે. ત્યારે છોટાઉદેપુરમાં 6 ઈંચ જેટલો વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં જોરદાર વરસાદ પડતાં હથનૂર ડેમના 41 દરવાજા ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને કારણે તાપી નદીમાં પાણી વધી જતાં અક્કલકુવા, તળોદા, ધડગાવ, શહાદા તાલુકાની તમામ નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. તેની સાથે સાથે તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાંવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી અને સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન અક્કલકુવા શહેરની વરખેડી નદીમાં પૂર આવતાં મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના બોર્ડર આવેલા અંકલેશ્વર બરહારપૂર નેશનલ હાઈ વે પર પાણી ફરી વળ્યા હતા. તેમજ નેશનલ હાઈ વે સાથે નજીકના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં NDRFની 7 ટીમ, સૌરાષ્ટ્રમાં 5 ટીમ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે.