નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, 4000 ક્યુસેક પાણીની આવક

નર્મદાઃ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે સરદાર સરોવર ડેમની સપાટી મે મહિનામાં 119.41 મીટર પર પહોંચી છે. છેલ્લા બે દિવસની જો વાત કરીએ તો, છેલ્લા બે દિવસમાં ડેમની જળ સપાટીમાં 3 સેમીનો વધારો થયો છે.

અત્યારે સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી કુલ 4000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા, ડેમની સપાટી 119.47 મીટર પર પહોંચી છે, અત્યારે ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર છે. ડેમની ઐતિહાસિક સપાટી, એ ગુજરાત માટે સારા સમાચાર છે. જેના પગલે ગુજરાતને પીવા અને સિંચાઇ માટે 1 વર્ષ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં છે. અત્યારે ડેમમાં 1100 mcm પાણીનો જથ્થો છે.

અત્યારે જ્યારે ગુજરાતમાં જળ સંકટની પરિસ્થિતી છે એવા સમયે નર્મદાનું પાણી જળ સંકટને હળવું કરશે. ઉપરવાસમાંથી છોડાઇ રહેલાં પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી રહી છે. પ્રથમવાર એવું બન્યું છે કે, મે મહિનામાં ડેમની સપાટી આટલી ઊંચી રહી હોય.

તો રાજકોટને નર્મદાનું પાણી મળવાનું શરૂ થઇ ગયું છે. પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી 31 જુલાઇ સુધી પાણીની મુશ્કેલી નહીં નડે. જ્યારે 400 એમસીએફટી પાણી આજી ડેમમાં અને 100 એમસીએફટી પાણી ન્યારી ડેમમાં ઠલવાશે. અત્યારે આજીડેમની સપાટી 18.60 ફૂટ છે.