સાહિત્ય સંગમના પ્રણેતા નાનુભાઈ નાયકનું નિધન

સુરત – સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થ સમા સાહિત્ય સંગમના પ્રણેતા નાનુભાઈ મ. નાયકનું નિધન થયું છે. તેઓ ૯૨ વર્ષના હતા. ગત સપ્તાહે નાનુભાઈને એમના ૯૨મા જન્મદિને તેમના હિન્દી પુસ્તક ‘મેરે સપનોં કા વિશ્વ’ને નાગપુરની સંસ્થા દ્વારા ‘વિનોબા ભાવે સાહિત્ય સન્માન’થી નવાજવામાં આવ્યા હતા. તેઓ આજીવન સાહિત્યને સમર્પિત હતા અને ગોપીપુરામાં તેમના પ્રકાશન ગૃહ સાહિત્ય સંગમનો એક આખો માળ ‘નાનુભાઈ નાયક પ્રેરિત સંસ્કાર હોલ’ રૂપે તેમણે સમાજને નિશુલ્ક ઉપયોગ માટે સમર્પિત કર્યો હતો, જેને કારણે અઢળક પ્રવૃત્તિ થઇ. સુરતના સામાજિક-સંસ્કૃતિક જીવન માટે નાનુભાઈનું આ ઉત્તમ પ્રદાન હતું.

૧૦ મે, ૧૯૨૭ના રોજ સુરત જિલ્લાના ભાંડુત ગામે અનાવિલ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. એક ખેડૂત રૂપે તેઓ આજીવન દલિતો અને પીડિતોના હામી બનતા રહ્યા હતા. માત્ર મેટ્રિક સુધી ભણેલા નાનુભાઈએ સાહિત્ય, રાજકારણ, પત્રકારત્વ, ખેતી અને પુસ્તક પ્રચારમાં બહુમુલ્ય કાર્ય કર્યું છે. ગોપીપુરામાં કિતાબ મહલમાં તેઓ રહેતા અને સાહિત્ય સંગમ, સાહિત્ય સંકુલ અને અમદાવાદના સાહિત્ય ચિંતન એ તેમના કર્મસ્થળ રહ્યા.

એક પત્રકાર રૂપે તેઓ ચાર મેગેઝીન અને ત્રણ સાપ્તાહિકના તંત્રી, મુદ્રક અને પ્રકાશક રહ્યા. ‘નવસારી સમાચાર’ નામે તેમણે પહેલું ગુજરાતી ટેબ્લોઈડ દૈનિક શરુ કર્યું હતું. ‘સુખી જીવન’ અને સાહિત્યિક માસિક ‘સંવેદન’ પણ તેઓ પ્રગટ કરતા રહ્યા. પોતાના સમયની ખુબ લોકપ્રિય ‘શબ્દ વ્યૂહ’ સ્પર્ધાઓનું સંપાદન કરતા, જેમાં તેમના સાથીઓ રૂપે જ્યોતીન્દ્ર દવે, ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’, સુંદરજી બેટાઈ, વિજયરાય વૈદ્ય, મોહનલાલ પાર્વતીશંકર દવે તથા પ્રો. હકુમતરાય દેસાઈ જેવા દિગ્ગજો રહેતા. નાનુભાઈએ ‘સંદેશ’, ‘પ્રતાપ’, ‘નૂતન ભારત’ જેવા દૈનિકો અને ‘ચેતમછંદર’ જેવા અનેક સાપ્તાહિકોમાં વ્યંગ-કાવ્યોની કટાર લખી હતી.

એક લેખક રૂપે નાનુભાઈ નાયકનું બહુ મોટું પ્રદાન છે. તેમણે ૨૦૦થી વધુ વાર્તાઓ, ૪૫ નવલકથાઓ, કાવ્યો, વ્યંગ્ય, ચિંતન, રાજકીય વિચારના પુસ્તકો લખીને પ્રગટ કર્યા છે. તેમાંના ઘણાં પુસ્તકો મૂળ ગુજરાતીમાં લખાઈને હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં પણ પ્રગટ કર્યા. તેમના ત્રણ કાવ્ય સંગ્રહો ગુજરાતી અને હિન્દીમાં પ્રગટ થયા છે.  ૧૯૭૫માં ભ્રષ્ટાચારની ખુલ્લી શરૂઆત થઇ ત્યારથી નાનુભાઈએ દિવાળી કાર્ડ મોકલવા બંધ કરીને સાંપ્રત કવિતાઓ મોકલવી શરુ કરી હતી, જે પરંપરા ચાર દસકા સુધી આજીવન તેમણે જારી રાખી હતી.

નાનુભાઈ નાયકની પહેલી નવલકથા ‘ગુલામીનો વારસો’ ૧૯૫૩માં આવી હતી. ત્યાર બાદ ‘પ્રાણ જાગો રે’, ‘નારી નરનું રમકડું’, ‘સુરતના ધૂળિયા મહોલ્લામાં’, ‘મેના પોપટ’, ‘સ્વપ્નલોક’, ‘કાશ્મીર’, ‘મનમોહિની’, ‘તોફાન’ કે ‘ઓહ ઇન્ડિયા’ જેવી યાદગાર નવલકથાઓ તેમણે આપી હતી. ‘નેફા મોરચે’ અને  ‘મુદિતા બાલારામ’ નામના બે પૂર્ણ નાટકો પણ તેમણે લખ્યા હતાં. તેમના કાવ્ય સંગ્રહ રૂપે ‘યુદ્ધ ગીતો’ (૧૯૬૭), ‘સૂર્યના ગોળાને ભેદવા જતાં’, ‘બોડી બામણીનું ખેતર’ કે ‘ઓ ઈશ્વર ભજીયે તને’ યાદ કરી શકાય. તેમના કટાક્ષ લેખોનું પુસ્તક ‘રંગ અને વ્યંગ’ ૧૯૬૭માં બહાર આવ્યું હતું. ‘વહેતા પાણી’, ‘બલિદાન’ અને ‘જાન ફેસાની’ તેમના કાવ્ય સંગ્રહો છે.

રાજકીય વિચારો વ્યક્ત કરતા સાહિત્યકાર રૂપે નાનુભાઈ નાયક હમેશા યાદ રહેશે. આ શ્રેણીમાં તેમનું પહેલું પુસ્તક ‘કચ્છ એવોર્ડ’ રૂપે ૧૯૬૮માં આવ્યું હતું. ત્યારબાદ ‘એક ન સ્થપાયેલા પક્ષનો મુસદ્દો’, ‘બંધારણ સુધારાના સૂચનો’, ‘પ્રજાકીય સરકાર કેવી હોવી જોઈએ?’ તથા ‘સારી સરકાર કેવી હોય?’ જેવા તેમના પુસ્તકો વર્ષો સુધી યાદ રહેશે.

જીવનના છેલ્લા ૧૫ વર્ષોમાં નાનુભાઈએ માત્ર રાજકીય વિચારો દ્વારા જ પુસ્તકો લખ્યાં. જેના ફળ સ્વરૂપે ૨૦૧૨થી બે હજાર પાનાંની પુસ્તક શ્રેણી પ્રગટ થઇ. જેમાં પહેલું પુસ્તક, ‘માનવ ઉત્થાનના પરિપ્રેક્ષ્યમાં ગાંધીજી મારા રાહબર’ આવ્યું. ત્યાં બાદ આઝાદીના ૬૫ વર્ષો બાદ પણ દેશના ગરીબોની હાલતમાં કેવા ફેરફાર થયા છે તે તપાસતું પુસ્તક સુરતના જ અનેક ગરીબોના જીવન પ્રસંગો દ્વારા તેમણે ‘બાપુ, ત્યારે તમે યાદ આવ્યા’ રૂપે આવ્યું. આ શ્રેણીના તેમના ત્રીજા પુસ્તકમાં ગાંધીજીની પાંચ ભૂલો દર્શાવતું પુસ્તક ‘ગાંધીજી કેટલા પ્રસ્તુત? કેટલા અપ્રસ્તુત?’ માં તેમણે પ્રતિપાદિત કર્યું કે રાજ્ય વ્યવસ્થા બદલવામાં ગાંધીજીને જ આપણે આપણા રાહબર બનાવવા પડશે. શ્રેણીના ચોથા પુસ્તક ‘સ્વતંત્ર ભારત’માં ગાંધીજી અગર આજે હયાત હોત તો તેમના ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકને યુ-ટર્ન આપીને કેવા આઝાદ ભારતનું સર્જન કરતે તેની વાત છે. અમેરિકી પ્રમુખ ઓબામાએ માર્ટીન લ્યુથર કિંગના ‘યસ વી કેન’ અને ‘આઈ હેવ અ ડ્રીમ’ કહીને ગાંધીજીનું મોટું ચિત્ર હાથમાં રાખીને જે પ્રવચન આપ્યું હતું, તે અમેરિકી કલ્ચરમાં કેમ નહીં કરી શકાય અને કરવું હોય તો માત્ર ગાંધી વિચારોથી કરી શકાય તે સમજાવતું પુસ્તક આવ્યું, ‘યસ, વી કેન! બટ વ્હાય વી કેન નોટ? એન્ડ હાઉ વી કેન?’ આ શ્રેણીનું છઠ્ઠું પુસ્તક એટલે ‘મારા સપનાનું વિશ્વ’. જેમાં ગાંધીજીએ ‘મારા સપનાનું ભારત’ પુસ્તકની વાતમાં વિશ્વ સુધી જવાની કરેલી વાત નાનુભાઈએ કરી. અગર આજે ગાંધીજી અને જયપ્રકાશ નારાયણ હોત તો તેઓ કેવા વિશ્વની કલ્પના કરતે? તે વર્ણવતું આ પુસ્તક ગુજરાતી ઉપરાંત હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં પણ પ્રગટ કર્યું. તેના હિન્દી સંસ્કરણને ‘વિનોબા ભાવે સાહિત્ય સન્માન’ આપવામાં આવ્યું, તેના એક સપ્તાહ બાદ જ નાનુભાઈએ આ દુનિયામાંથી વિદાય લીધી છે.

નાનુભાઈના સાહિત્યકાર પુત્ર જનક નાયકના ૧૬ એપ્રિલ, ૨૦૧૭ના રોજ થયેલા નિધનના તેર માસ બાદ નાનુભાઈનું નિધન થયું છે.