નાબાર્ડ આગામી સમયમાં કૃષિલક્ષી પ્રોજેક્ટ્સમાં વધારશે ફંડિગ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે નાબાર્ડ ચેરમેન ડૉ. હર્ષકુમાર  ભનવાલા વચ્ચે કૃષિક્ષેત્રને લઇને એક મુલાકાત બેઠક યોજાઇ હતી.જેમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને કૃષિપ્રધાન આર સી ફળદુ ઉપસ્થિત હતાં. આ બેઠકમાં નાબાર્ડ દ્વારા આગામી સમયમાં વધુ રોકાણ કરવામાં આવે તે દિશામાં ચર્ચા થઇ હતી.ગુજરાતમાં ખાસ કરીને ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, સિંચાઇ તેમજ સૌની યોજના અને ગ્રામીણ પાણી પૂરવઠાની યોજનાઓ માટે નાબાર્ડ દ્વારા સહાય-સહયોગ મળે તે માટેનો પરામર્શ કર્યો હતો. પાકના સંગ્રહ માટે વેરહાઉસ-ગોડાઉન નિર્માણ તેમજ ડ્રીપ ઇરીગેશન અને સોલાર એગ્રી-પમ્પ માટે નાબાર્ડની વિવિધ યોજના અન્વયે રાજ્ય સરકારને મદદ મળે તે માટે જે દરખાસ્તો કરી છે તે અંગે પણ નાબાર્ડ ચેરમેન સાથે ચર્ચા થઇ હતી.

ગુજરાતમાં રૂરલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ નાબાર્ડ દ્વારા મળી રહેલા સહયોગની ચર્ચા કરતાં જણાવાયું હતું કે, પ્રતિવર્ષ નાબાર્ડ RIDF અન્વયે બે થી અઢી હજાર કરોડની પ્રોજેકટસ સહાય ગુજરાતમાં આપે છે.આ ઉપરાંત લોંગ ટર્મ ઇરીગેશન-માઇક્રો અને ડ્રીપ ઇરીગેશન માટે રૂ. ૧૦૦૦ કરોડ તથા ટૂંકી મૂદતના પાક ધીરાણ માટે ગ્રામીણ અને સહકારી બેન્કોને રૂ. ૬પ૦૦ કરોડ નાબાર્ડ તરફથી વિવિધ યોજનામાં મળતા રહ્યા છે.

આગામી સમયમાં નાબાર્ડ દ્વારા માઇક્રો ઇરીગેશન, ડ્રીપ ઇરીગેશન અને સિંચાઇ સુવિધા તેમજ વેર હાઉસીંગ જેવી ખેડૂતલક્ષી સવલતોની વૃદ્ધિ માટે નાબાર્ડ તેની યોજનાઓનું ફંડિંગ વ્યાપક પ્રમાણમાં કરે તેવી કરેલી રજૂઆત સંદર્ભે નાબાર્ડ ચેરમેને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.