ગુજરાત સરકાર વિરુદ્ધ મુસ્લિમ સમુદાયનો વિરોધ, અલગ મંત્રાલય બનાવવા માગ

ગાંધીનગર– ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના મુસ્લિમ સમુદાયના લોકોએ રાજ્ય સરકાર પર આરોપો લગાવતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું આયોજન ગુજરાતના અલ્પસંખ્યક સમન્વય સમિતિ (એમસીસી) દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી લઘુમતી અગ્રણીઓ પોતાના અધિકારોની લડત માટે ઉપસ્થિત રહ્યાં હતાં.  ઉપસ્થિત વક્તાઓએ મુસ્લિમોના અધિકાર મામલે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતાં.

સરકાર મુસ્લિમ સમુદાય અંગે અલગ આયોગની રચના નહીં કરે તો આગામી વિધાનસભા સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન માટે રણનીતિ બનાવાશે.છેલ્લા કેટલાક વર્ષોથી માઇનોરિટી કોઓર્ડીનેશન કમિટી દ્ધારા લઘુમતીઓના હક્કો માટે રાજ્યમાં મુહીમ ચલાવવામાં આવી રહી છે.અનેક જાગૃતિના કાર્યક્રમો આપવા સાથે સરકારને જગાડવાના પ્રયાસ કર્યા હતાં.

આંતરરાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દીને ગાંધીનગર સેક્ટર છ માં આવેલ સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં રાજ્યમાંથી મુસ્લિમ અગ્રણીઓ ઉમટી પડયાં હતાં. આ વિશેષ દિવસે ગુજરાતના 11.5 ટકા લઘુમતી સમાજના વિકાસ,રક્ષણ અને મૂળભૂત માંગો માટે ગુજરાતમાં પહેલીવાર સત્યાગ્રહ છાવણીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં અલ્પસંખ્યકો માટે કાર્ય મંત્રાલય,લઘુમતી આયોગ,રાજ્યના બજેટમાં કોઈજ નાણાંકીય જોગવાઈ નથી.જેના કારણે 11.5 ટકા લઘુમતીઓનો વિકાસ રૂંધાઇ ગયો છે.

સભાને સંબોધતા માઇનોરિટી કૉઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે કહ્યુ કે, ગુજરાતમાં મુસ્લિમ સમુદાય ડર ના માહોલમાં જીવી રહ્યો છે. હવે તો ભેંસ લઇ જતા પણ બની બેઠેલા રક્ષકો જીવલેણ હુમલો કરી લૂંટ કરી રહ્યા છે. સરકાર બેટી ભણાવો અને બેટી બચાવોનો નારો આપ્યો છે,ત્યારે ગુજરાતમાં મુસ્લિમ સમાજની છોકરીઓ ધોરણ એક થી પાંચ ધોરણમાં 10.58 ટકા ડ્રોપ આઉટ થઈ રહી છે.તેમ છતાં રાજ્ય સરકાર કોઈજ કાર્યવાહી કરતી નથી.  ગુજરાતમાં આજે અલ્પસંખ્યકોની ફરિયાદ સાંભળવા કોઈજ આયોગ નથી.  કેન્દ્રમાં લઘુમતી આયોગ છે તો ગુજરાતમાં કેમ નહીં? નો સવાલ રાજ્ય સરકાર સામે ઉઠાવ્યો હતો. બીજા રાજ્યમાં અલ્પસંખ્યાકોને અધિકાર પ્રાપ્ત છે,જ્યારે ગુજરાતમાં નથી.સરકાર આમારી માંગોને પુરી કરવા કોશિશ કરે.

સંવિધાને આપેલ અધિકારોને લાગુ કરાવવા માટે આગામી વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રણનીતિ બનાવીશું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સત્યાગ્રહ છાવણીમાં આવેલ તમામ લોકો સ્વતંત્રતાના સિપાહી છે. જેઓ પોતાનો ખોફ ને તોડીને આવ્યાં છે. લઘુમતી અધિકારોની માંગોને લઈને આગામી દિવસોમાં વિધાનસભા સામે વિરોધ પ્રદર્શન કરીશું.

નફીસે મુસ્લિમ વિસ્તારોમાં સરકારી શાળાઓ સ્થાપિત કરવા, અને મુસ્લિમ વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકાર બજેટમાં 1000 કરોડની ફાળવણી કરવા ઉપરાંત મુસ્લિમ લોકોની સ્થિતિ સુધારવા માટે મદરસાની ડીગ્રીને 10માં ધોરણની સમકક્ષ કરવા માંગ અને લઘુમતિ મંત્રાલય અને રાજ્ય લઘુમતિ આયોગની રચના કરવા માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં અલ્પસંખ્યકોએ પોતાના અધિકાર કે જેના માટે સરકારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપેલ વચનને યાદ અપાવવા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]