જીટીયુમાં મલ્ટીડિસીપ્લીનરી આંતરરાષ્ટ્રીય પરિષદ આઇકોન 2019નો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી પહેલીવાર મલ્ટીડિસીપ્લીનરી એટલે કે મેનેજમેન્ટ, ફાર્મસી અને એન્જીનિયરીંગની એકસાથે આંતરરાષ્ટ્રીય પરિષદ – આઇકોન 2019 અમદાવાદ ખાતેના ચાંદખેડા કેમ્પસમાં પ્રારંભ થયો છે. 14મીથી 16મી માર્ચ દરમિયાન યોજાનારી આ પરિષદમાં દેશ-વિદેશના આશરે એક હજારથી વધુ નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે મોટીવેશન કોચ રમા મુન્દ્રા અને પોલેન્ડના પ્રાધ્યાપકના વક્તવ્યોમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ખાસ રસ દાખવ્યો હતો.

મોટીવેશન કોચ રમા મુન્દ્રાએ આ પરિષદમાં જણાવ્યું હતું કે ઈનોવેટીવ કોઈપણ બની શકે છે. ફકત સમસ્યાઓ અને એના ઉકેલ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. પંજાબમાં લસ્સી બનાવવા વોશિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તમે સમસ્યાઓ સામે પડકાર ફેંકો અને એવું વિચારતા થાઓ કે, કલ સે યે નહિ ચલેગા, તો ઉપાય જરૂર મળશે. સકારાત્મક અભિગમ ઈનોવેશન માટે આવશ્યક છે. સમસ્યા શું છે અને તેનો ઉપાય શું હોઈ શકે છે તેનો વિચાર કરો તો આજે નહિ તો કાલે ઉકેલ જરૂર મળશે જ.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે કહ્યું હતું કે 14 માર્ચ આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ દિવસ છે. આઇકોન 2019 અંતર્ગત શિક્ષણ જગત અને ઉદ્યોગ જગતના નિષ્ણાતોની લેટેસ્ટ ટ્રેન્ડ તથા ટેકનોલોજી વિશે ચર્ચા થશે. મેનેજમેન્ટ વિભાગમાં પણ ટેકનોલોજીના ઉપયોગથી અનેક પરિવર્તન કેવી રીતે આવી રહ્યા છે તેની વિગતો તેમણે જણાવી હતી. એન્જીનિયરીંગ અને ટેકનોલોજીને લગતા સંશોધનો મારફતે વૈજ્ઞાનિક ક્રાન્તિ વિશેની આ પરિષદમાં કુલ 225 રિસર્ચ પેપરો રજૂ કરવામાં આવશે.

ત્રણ દિવસ સુધી ચાલનારી આ પરિષદમાં અમેરિકા, યુરોપ અને કેનેડા સહિતના વિવિધ દેશોના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો ભાગ લઈ રહ્યા છે. પોલેન્ડની જેન વિઝીકોવસ્કી યુનિવર્સિટીના ડૉ.ઝેઝીસ્લો પોલ્કોવસ્કીએ પર્સનલ ડેટા સહીસલામત રાખવા યુરોપના દેશોમા સરકાર તરફથી કેવા કડક કાયદા ઘડવામાં આવ્યા છે અને તેનો અમલ કરવા વિદ્યાર્થીઓને કેવી તાલીમ આપવામાં આવી રહી છે તેની વિગતો તેમણે જણાવી હતી.