ખરા અર્થમાં કલાને પ્રોત્સાહન કેમ અપાય એ આ સાંસદે બતાવ્યુંઃ ચિત્રલેખા નાટ્યસ્પર્ધાની ઘટના

અમદાવાદઃ છેલ્લા 14 વર્ષથી ચાલતી ભવન્સ કલચરલ સેન્ટર આયોજિત ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા આ વર્ષે એક સરસ કામમાં નિમિત્ત બની છે. વાત એમ છે કે ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાની સુરતમાં યોજાતી સેમી ફાઇનલ વર્ષો જૂના જીવન ભારતી મંડળના “રંગ ભવન”માં યોજાતી હોય છે. આ વર્ષે ઉદ્ઘાટક તરીકે સુરતના સાંસદ સી. આર. પાટીલ આવ્યા હતા.

રંગભવનમાં નવી બેઠક વ્યવસ્થા તો થઇ છે, પરંતુ રંગમંચ ઉપર હજી સુધારાની અને ઑડિટોરિયમ વધુ આધુનિક બનાવવું જોઈએ એવી ટકોર સાંસદ સી. આર. પાટીલે કરી હતી. પણ એ ફક્ત ટકોર કરીને અટક્યા નહીં, એમણે આ કામ માટે પોતાના તરફથી અંગત રીતે રૂપિયા પાંચ લાખ આપવાની પણ જાહેરાત કરી હતી. જીવન ભારતી મંડળ એમના સાંસદ તરીકેના કાર્યક્ષેત્ર બહારનું છે, આમ છતાં એમણે અંગત રીતે આ પાંચ લાખનું દાન આપ્યું અને નિમિત્ત બની આ ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા.

વાત આટલેથી અટકતી નથી. કોઈ નેતા જાહેર મંચ પરથી દાનની જાહેરાત કરે અને કહ્યું હોય એટલા સમયમાં એ આપી પણ દે એ પણ આશ્ચર્યજનક હોય છે. આવા આશ્ચર્ય અનેકવાર સર્જાતા હોય છે.

એ જાહેરાત કર્યા પછી આજે સી. આર. પાટીલે રૂપિયા પાંચ લાખનો ચેક જીવન ભરતી મંડળના મંત્રી ડૉ. કેતન શેલત અને અજીતભાઈ શાહને આપ્યો હતો. 

એમણે કહ્યું હતું કે કલાકારોને કળાની ભજવણીમાં અને પ્રેક્ષકોને કલાને માણવામાં સુગમતા રહે એ અમારો આશય છે. યાદ રહે, સી. આર. પાટીલ કલા અને સાહિત્યની પ્રવૃત્તિના પ્રોત્સાહક પણ રહ્યા છે. ચિત્રલેખા સામાયિકમાં એક વખત દિલ્હીના પપીહા દેસાઈના નૃત્ય વિષે એક લેખ પ્રકાશિત થયો હતો. ત્યારે એમણે ચિત્રલેખાના માધ્યમથી પપીહા દેસાઈના ગુજરાતમાં પ્રથમ વખત સુરત અને નવસારીમાં શૉ નું આયોજન કરાવ્યું હતું. સાથે જ ચિત્રલેખા નાટ્ય સ્પર્ધાને પણ દરવર્ષે સહયોગ આપતા રહે છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત આ ચિત્રલેખા નાટ્યસ્પર્ધા- 2020નું આ 14મુ વર્ષ છે. સમગ્ર ગુજરાત અને મુંબઈના નાટકોની ભજવણી થતી હોય તેવી આ એકમાત્ર સ્પર્ધા છે. આ સ્પર્ધા માં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને મુંબઈમાંથી એન્ટ્રી માટે આવેલા ૪૮ નાટકો પૈકી પ્રારંભિક સ્પર્ધા માટે 20  નાટકો ની પસંદગી થઇ હતી. એ પૈકી ભાવનગર ખાતે 7 નાટકોની ભજવણી થઇ ચૂકી છે. હવે બાકીના 13 નાટકોની સુરત ખાતે પ્રસ્તુતી થઇ રહી છે. સ્પર્ધા નિર્ણાયકો પ્રસિદ્ધ નાટ્યકાર જીતેન્દ્ર ઠક્કર (અમદાવાદ) , સોનલ વૈદ્ય-કુલકર્ણી (સુરત) અને પ્રવિણ સોલંકી (મુંબઈ) સેવા આપી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સુરતની શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ (એસઆરકે), જીવન ભરતી મંડળ (સુરત), એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થીયેટર, ભવન્સ કલા કેન્દ્ર-અંધેરી જેવી સંસ્થાના સહયોગથી આ સ્પર્ધા યોજાઈ રહી છે. ભવન્સ તરફથી લલિત શાહ અને નાટયલેખક પ્રવીણ સોલંકી આ સ્પર્ધાના આયોજનમાં સક્રિય છે.