સુરતમાં માતાનાં ધાવણ દાન કેમ્પને સાંપડ્યો ઉત્સાહજનક પ્રતિસાદ, સહકાર

સુરત – આજે રવિવારના રોજ અત્રેના ઉમા ભવન ભટાર ખાતે માતાના ધાવણ દાનનો કેમ્પ આયોજિત થયો. સુરત પીડિયાટ્રીક એસોસિએશન, સ્મીમેરની યશોદા મિલ્ક બેંક અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કેમ્પમાં રોટરી કલબ સુરત (સી ફેઈસ) અને સુરતી મોઢ વણિક મહિલા મંડળે સહકાર આપ્યો હતો.

        માતાના ધાવણ દાનની આ પવિત્ર પ્રવૃત્તિ વિશ્વમાં પ્રથમ  સુરત ખાતે ૨૦૦૮માં શરૂ થઈને નિયમિત ચાલે છે. આજ રોજનો આ ૨૧મો કેમ્પ થયો. અત્યાર સુધીમાં આશરે ૮૦,૦૦૦ મિલીલીટર  ધાવણ કેમ્પ થકી ભેગુ થઈને ગંભીર નવજાત શિશુઓને જીવન દાન બક્ષી શક્યું છે.

        આજના કેમ્પમાં ૮૦ દાનવીર માતાઓએ ૬,૩૭૦ મિલીલીટર ધાવણ દાન આપી અને તેમના પરિવાર પવિત્ર શ્રાવણ મહિનામાં આ અલભ્ય દાનમાં સહાય આપી ધન્યતા અનુભવે છે. એક માતા દેવિકાબેનને ૨૫ વર્ષે બાળક થયું તે પણ આ દાન આપવા સમર્થ બની કૃતજ્ઞ બની હતી!!. તેવી રીતે દિપીકાબેન જેવી અમુક માતાઓ છેલ્લા 3 કેમ્પમાં દાન આપી આજે પણ લાભ આપવા આવી હતી. આ ઉમદા પ્રવૃત્તિની જાણ થતાં ચૈતાલી બેન ધાવણ દાન કરવા વડોદરાથી આવ્યા હતા. સહુથી નાનું બાળક (માત્ર ૯ દિવસનું) ધરાવનાર જીનલબેન આજના કેમ્પમાં ઉપરા છાપરી બે વખત ધાવણ દાન આપી ગયા!! કામરેજના શ્વેતાબેન ઘરમાં અગત્યનો પ્રસંગ હોવા છતાં દાન આપવા આવ્યા હતા. આ કેમ્પથી પ્રેરિત બીલીમોરા કચ્છ કડવા પાટીદાર મંડળ પણ આવા કેમ્પનું આયોજન કરવાની તૈયારી કરશે.

          વિજયાબેન ડાહ્યાભાઈ છભૈયા તરફથી દાનવીર માતાઓને તેના બાળકને ઉપયોગી એવી ભેટ અર્પણ થઈ અને મંજુબેન વસંતભાઈ નાકરાણી દ્વારા નાસ્તા વિતરણ થયું. આવી પ્રવૃત્તિને વેગ મળી રહે તે માટે રોટરી કલબ વતી શ્રી કુંજ પંસારી એ કાયમી નિધિ અને બેન્ક માટે વધારાની મશીનની જાહેરાત કરી. કેમ્પમાં સ્વૈચ્છિક સેવા આપનાર સ્વયં સેવકોને રોટરી તરફથી પ્રતીક ભેટ અર્પણ શ્રીમતી શિલ્પા છાવછરિયા દ્વારા થઇ.

  આગામી ડિસેમ્બરના કેમ્પની જવાબદારી મોઢ વણિક મહિલા મંડળ વતી શ્રીમતી મીનાક્ષી બોડાવાલાએ લીધી છે. ડો. કેતન ભરડવા, ડો. અમિતા સુરાણા, ડો હિતેશ શિંદે, શ્રીમતી સરોજબેન અને મંજુબેન આયોજકો વતી આભાર વ્યક્ત કર્યો.