કેદારનાથમાં ભારે બરફવર્ષા, બે હજારથી વધુ ગુજરાતી ફસાયા

કેદારનાથઃ કેદારનાથમાં મંગળવાર રાતથી થઈ રહેલી બરફવર્ષાને લીધે ગુજરાતના બે હજાર અને સાથે દેશભરમાંથી આવેલા 10 હજાર યાત્રાળુઓ ફસાઈ ગયા છે. આ યાત્રાળુઓ જ્યાં છે ત્યાં સલામત સ્થળે રહેવા સુચના આપવામાં આવી છે. જ્યારે રસ્તા ખુલશે ત્યારે વારાફરથી તમામને મોકલવામાં આવશે તેમ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે. કેદારનાથમાં તાપમાન શુન્યથી નીચે પહોંચી ગયું છે. કેદારનાથ ધામમાં બરફની પાંચ ઈંચ જેટલી ચાદર છવાઈ ગઈ છે. રસ્તા પર બે ફૂટની ચાદર છવાઈ ગઈ છે અને ઠંડીના કારણે બે યાત્રાળુઓના મૃત્યુ થયા છે.

બરફવર્ષાના કારણે તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી હોવા છતા યાત્રાળુઓ કેદારનાથ દર્શન હતા, યાત્રાળુઓને સોનપ્રયાગમાં જ રોકી દેવામાં આવ્યા છે. કેદારનાથ ધામમાં તીર્થયાત્રીઓનું આવન-જાવન એકતરફી થઈ ગયુ છે. માત્ર કેદારનાથ ધામથી પાછી ફરી શકે છે યાત્રાળુઓ. સરકાર દ્વારા યાત્રાળુઓ માટે ફુડપેકેટની વ્યવસ્થા નહીં કરતા દુકાનદારો દ્વારા બેફામ નાણા વસુલાયા હોવાનું જાણવા મળે છે. જો કે, સાંજથી સરકારે ફસાયેલા યાત્રાળુઓ માટે રહેવા સહિતના વ્યવસ્થા કરી હતી.