ખેલકુંભના રમતવીરોની વૈશ્વિક સિદ્ધિઓના પગલે આ વર્ષે 34 લાખથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

ગાંધીનગર- ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ-૨૦૧૮માં રાજ્યભરમાંથી કુલ ૪૨,૦૯,૧૧૦ રમતવીરોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. તેમાંથી અત્યાર સુધીમાં ૩૪,૯૪,૩૫૫ એટલે કે ૮૩ ટકા રમતવીરોએ વિવિધ ૩૪ રમતોમાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં અલગ અલગ ૭ વયજુથની ૩૪ રમતોની શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા, મહાનગરપાલિકા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ પૈકી હાલમાં જિલ્લા કક્ષા સુધીની સ્પર્ધાઓ પૂર્ણ થઇ છે તેમજ રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ચાલી રહી છે. જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને રૂ.૪૦ કરોડના રોકડ પુરસ્કાર અને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાઓને પણ રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવનાર છે.

ગુજરાતના ખેલાડીઓએ ચાલુ વર્ષે વૈશ્વિક સ્તરની રમતોમાં ગોલ્ડ મેડલ સાથે એકથી વધુ સિદ્ધિઓ હાંસલ
કરી છે. ગુજરાતના ૬ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.  જેમાં કુ.સરિતા ગાયકવાડે એથ્લેટીક્સ સ્પર્ધામાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કર્યુ છે ઉપરાંત ટેનિસ સ્ટાર કુ.અંકિતા રૈના, ટેબલ ટેનિસ સ્ટાર શ્રી માનવ ઠક્કર અને શ્રી હરમિત દેસાઇએ પણ મેડલ મેળવી ઇન્ટરનેશનલ સિદ્ધિ મેળવી છે જે ગુજરાતનું ગૌરવ છે

કુ.પારૂલ પરમારે જકાર્તા, ઇન્ડોનેશીયા ખાતે યોજાયેલ પેરા એશિયન ગેમ્સ-૨૦૧૮માં બેડમિન્ટનમાં સિંગલ ઇવેન્ટમાં WS-SL-3 કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. કુ.પારૂલ પરમાર સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ખાતે જિલ્લા કોચ તરીકે ફરજ બજાવે છે.  મ્યાનમાર ખાતે યોજાયેલ એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ-૨૦૧૮માં ગુજરાતની  કુ.તસ્નીમ મીરએ બેડમિન્ટનમાં ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જેને રાજ્ય સરકારની ખેલાડીઓને આર્થિક મદદ માટેની શક્તિદુત યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ.૧૫.૬૨ લાખની નિડબેઝ સહાય આપવામાં આવી છે.

૧૮મી એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીય-૨૦૧૮માં ગુજરાતના ૬ ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું જેમાં કુ. મિશરી પરીખ, શ્રી દ્વિપ શાહે ગોલ્ડ મેડલ અને કુ. ભાવિતા માધુ, શ્રી પ્રિયમ દેસાઇ અને કુ.યશ્વી ચૌહાણે સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે.

આ ઉપરાંત ખેલ મહાકુંભમાં ભાગ લેનાર રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ, શક્તિદુત, સેન્ટર ઓફ એક્સલન્સ, ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ અને ઇન સ્કૂલ પોગ્રામનો લાભ પણ આપવામાં આવશે.

તાજેતરમાં ખેલ મહાકુંભ-૨૦૧૮ અંતર્ગત રાજ્યકક્ષાની તરણ સ્પર્ધાનો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ભાઇ ત્રિવેદી અને રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વડોદરા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેલાડીઓને આર્થિક સહાય માટેની રાજ્ય સરકારની શક્તિદુત યોજના અંતર્ગત  સહાય, ખેલ પ્રતિભા પુરસ્કાર તેમજ સ્કુલ લીગ વિજેતાઓને રૂ.૧૮૯.૮૫ લાખના પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા.