આડઅસરની વાતો વચ્ચે 1 કરોડથી વધુ બાળક ઓરી-રૂબેલાથી સુરક્ષિત કરાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં 1 કરોડ, 12 હજાર 667 બાળકોને એમ.આર.ની રસી આપીને ઓરી અને રૂબેલા રોગથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર ડૉ. જયંતી રવિએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, એક મહિના દરમિયાન ૬૩ ટકા સિદ્ધિ હાંસલ થઇ છે. હવે ૬૦ લાખ જેટલા બાળકોને રસી આપવાનું આયોજન આઘળ વધી રહ્યું છે. એક પણ બાળક બાકી ન રહે એ માટે લોકજાગૃતિ કેળવવામાં પ્રચાર માધ્યમો પણ સહયોગ આપે એવી અપીલ ડૉ. જયંતી રવિએ કરી હતી.

ડૉ. જયંતી રવિએ  જણાવ્યું હતું કે, ઓરી અને રૂબેલા રોગની ગંભીરતાને ધ્યાને લેતાં રસીકરણથી બાકી રહી ગયેલા બાળકોને આ રોગના વાયરસના સંક્રમણનો ભય વધારે હોવાથી એમ.આર. રસીથી આવરી લેવા અત્યંત આવશ્યક છે. તમામ માતા-પિતાઓ અને શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકોને અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ૯ માસથી ૧૫ વર્ષની વયના તમામ બાળકોને રસી અપાવીએ અને બાળકોના સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરીએ.

રસીકરણ આડઅસરની વાતો ફગાવતાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ૧ કરોડથી વધુ બાળકોને એમ.આર.રસી મુકવામાં આવી છે. આ રસી મુકાયા પછી એક પણ બાળકને રસીકરણના કારણે કોઇપણ પ્રકારની ગંભીર આડ અસર થઇ નથી. રાજ્યની શાળાઓમાં ૮૧,૫૬૦ જેટલા સેશનમાં રસીકરણ કરાયું છે તો આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રોમાં ૫૦,૨૮૮ સેશનમાં રસીકરણ કરાયું છે.

ડો.જયંતી રવિએ કહ્યું હતું કે, રાજ્યની જે શાળાઓમાં તમામ બાળકોનું રસીકરણ થઇ ગયું છે, એવી શાળાઓના આચાર્યોનું બહુમાન કરવાનું પણ આયોજન વિચારણામાં છે.

સમગ્ર કાર્યક્રમના સુપરવિઝન માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી તમામ જિલ્લા તથા કોર્પોરેશન વિસ્તાર માટે મોનિટર્સ નિયુક્ત કરવામાં આવ્યા છે. યુનિસેફ સંસ્થા તરફથી રસીકરણ અંગે ગેરસમજ દૂર કરવા માટે વિવિધ સહયોગ આપવામાં આવ્યો છે તથા અન્ય રાજ્યોમાંથી પણ ૭ જેટલા નિષ્ણાતો નિયુક્ત કરવામાં આવ્યા છે.