તલગાજરડામાં મોરારિબાપુની કથા, સાંભળવા પહોંચ્યાં આ નેતાઓ

મહુવા-  મોરારિબાપુની જન્મભૂમિ તલગાજરડામાં પૂજ્ય  મોરારિ બાપુની રામકથાનો આજથી પ્રારંભ થયો છે. કથાકાર રમેશ ઓઝા અને સાધ્વી ઋતંભરાજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કથામાં આજે પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી. અને  મોરારિબાપુના આશિર્વાદ લીધા હતાં.આ ઉપરાંત પુરૂષોત્તમ રુપાલા અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પણ હાજરી આપી હતી.

કથામાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપવાના હોય કથા સ્થળ પર એક લાખ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથામાં આગામી દિવસોમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિતના નેતાઓ તેમજ ફિલ્મ સ્ટારો સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહેશે. કથા સ્થળ પરજ 50 હજાર લોકો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે  મોરારિબાપુએ કહ્યું હતું કે આ કથા સોળે કળાએ ખીલી ઉઠશે.