બે જિલ્લામાં ભરપુર વરસાદ, નર્મદા ડેમથી સિંચાઈનું પાણી વહેતું થઈ ગયું

ગાંધીનગર- રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે ત્યારે, છેલ્લાં ચોવીસ કલાકમાં છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. તો બીજી તરફ અષાઢી બીજના પવિત્ર દિવસે નર્મદા ડેમની મુખ્ય નહેરમાંથી સિંચાઇ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ૫૩૦૭ ક્યુસેક પાણી છોડાયું છે. વરસાદની પરિસ્થિતિ અને સિંચાઇ માટેની જરૂરિયાતને લક્ષમાં લઇ ગુજરાતના જરૂરિયાતવાળા વિસ્તારોમાં સિંચાઇ માટે પાણીની સુવિધા પૂરી પડાશે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૦૫/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ થી રાજયના ૭૪ તાલુકાઓમાં કયાંક ધોધમાર તો કયાંક હળવો વરસાદ વરસી રહ્યો છે.  સવારે છ થી દસ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૪૮ મી.મી. એટલે કે છ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારામાં સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન ૮૧ મી.મી. એટલે કે સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે સુરત શહેરમાં તથા કામરેજમાં સવારે છ થી આઠના બે કલાક સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ૧૧૧ મી.મી. એટલે કે સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે મેઘરજ, માલપુર અને બોડેલી તાલુકામાં ૯૧ મી.મી. થી વધુ, હાલોલમાં ૮૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૭૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૬.૭૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૫.૯૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૯.૪૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

મહત્વનું છે કે, ગુજરાત સરકાર દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસથી ગુજરાતમાં સિંચાઇની જરૂરિયાતવાળા વિસ્તારો માટે નર્મદા ડેમમાંથી પાણી પહોંચાડવાની કરાયેલી જાહેરાતના પગલે ૪થી જુલાઇથી નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે ભુમલીયા નજીક ડેમની મુખ્ય નહેરમાંથી ૫૩૦૭ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડીવીઝનના મદદનીશ ઇજનેર વિકાસભાઇ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પુરું પડાશે.  નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે ૪થી જુલાઇના રોજ નર્મદા ડેમમાં ૧૬ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેને લીધે નર્મદા ડેમની સપાટી ૧૨૦.૦૩ મીટરે પહોંચી છે.