રાજ્યમાં ચોમાસુઃ 50 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ, કુલ ૧૬.૫૭ ટકા જ…

ગાંધીનગર: રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૫૦ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૦૪/૦૭/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૭૪ મી.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો જ્યારે ડીસામાં ૬૦ મી.મી., મેઘરજમાં ૬૧ મી.મી., સુરત શહેરમાં ૫૯ મી.મી. અને મેંદરડામા ૫૦ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત લાખણી, અમીરગઢ, રાણપુર, કવાંટ, વઢવાણ, હાલોલ, વીરપુર, અમરેલી, પાલનપુર, ઠાસરા, ગોધરા, ભીલોડા, કોટડા સાંગાણી, બાલાસિનોર, ચોર્યાસી મળી કુલ ૧૬ તાલકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૯ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૬.૫૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬.૨૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૫.૮૫ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૩.૬૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૮.૦૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૮.૩૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.