ગુજરાતમાં નાણાકીય છેતરપિંડીના 28 કેસમાં 114 સંપત્તિ જપ્તીનો આદેશ, લિસ્ટ…

ગાંધીનગર-નાણાકીય છેતરપિંડીની યોજનાઓ દ્વારા નાગરિકોને છેતરતાં લેભાગુઓ સામે પગલાં લેવા સંકલન સમિતિની ૩૪મી બેઠક અધિક મુખ્ય સચીવ-નાણાં અરવિંદ અગ્રવાલના અધ્યક્ષપદે યોજાઇ હતી. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક નિયામક જે.કે.દાસ પણ આ બેઠકમાં હાજર હતાં અને ચાલી રહેલા કેસોની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં ઇનકમવૉલ્સ ડોટ કોમ (વડોદરા), રાજ મોરાલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ લિ. (અમદાવાદ), ઉમ્મિદ ઇન્ફ્રા પ્રોજેકટ (જામનગર), પૃથ્વીધારા કોર્પ કેર પ્રા.લિ. (ભાવનગર), સહારા ઇન્ડિયા ફાયનાન્સ કોર્પોરેશન લિ. (રાજકોટ), સહારા ક્યુ શોપ યુનિક પ્રોડકટ્સ રેન્જ લિ. (વડોદરા), સહારા ક્રેડીટ કો.ઓ. સોસાયટી લિ. (અમદાવાદ), કેપેજ સિક્યોરિટીઝ એન્ડ કેપીટલ કલાઉડ રિસર્ચ (અમદાવાદ) જેવી કંપનીઓ વિરૂદ્ધ રીઝર્વ બેન્કને મળેલી ફરિયાદોના કેસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કટોડીયા ફાયનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લિ. (અમદાવાદ), ‘અપનાગૃપ’ અપના ટેલકોન લિ. (આણંદ), આપકા રોઝગાર સર્વિસીઝ પ્રા.લિ. (અમદાવાદ), ઇન્ડિયા ગ્રીન રિયાલીટીઝ લિ. (અમદાવાદ), ગ્લોબલ હ્યુમન રાઇટસ પ્રોટેકશન કાઉન્સિલ (રાજકોટ)ના કેસોની વિગતવાર છણાવટ કરીને તેમની સામેની તપાસની સમીક્ષા કરવામાં આવી હતી.

એસ.એન.સી. મલ્ટી ટ્રેડ એન્ડ સર્વિસીઝ પ્રા.લિ. એન્ડ એસ.એ.ટી. મલ્ટીટ્રેડ કંપની લિ. દ્વારા મહિસાગર, દાહોદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત અને તાપીમાં અનઅધિકૃત રીતે ડિપોઝીટ ઉઘરાવવાના કેસો ચાલી રહ્યાં છે. આ તમામ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.

અરવિંદ અગ્રવાલે જણાવ્યું હતું કે, નાગરિકોએ લેભાગુ કંપનીઓ અને આર્થિક ફાયદાની લાલચ આપતા લોકોથી ચેતવાની જરૂર છે. આવા તત્વો સામે સરકાર અને રીઝર્વ બેન્ક જરૂરી કાર્યવાહી તો કરશે જ, સાથે નાગરિકોએ પણ સજાગ રહેવાની આવશ્યકતા છે.

સરકારે લોભામણી જાહેરાતો આપીને રોકાણકારોના નાણા પચાવી પાડતી લેભાગુ કંપનીઓ પાસેથી લોકોના નાણાં પાછા અપાવવા લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને આવી મિલકતોની હરાજી કરીને રોકાણકારોના નાણાં પાછા અપાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે સી.આઇ.ડી.(ક્રાઇમ) નોડલ એજન્સી હશે એવી જાહેરાત તાજેતરમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. વર્ષ-૨૦૧૬થી મે-૨૦૧૮ સુધીના કેસોમાં સી.આઇ.ડી.(ક્રાઇમ)એ ૨૮ ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરી છે. આવી લેભાગુ કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને ૧૧૪ જેટલી મિલકતો ટાંચમાં લેવા ૧૧ દરખાસ્તો પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હૂકમો કરીને ડેઝીગ્નેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી દીધી છે.

રાજ્યકક્ષાની ૩૪મી સંકલન સમિતિની બેઠકમાં ગૃહ વિભાગના સચીવ બી.કે.જહા, સીઆઇડી. (ક્રાઇમ અને રેલવે)ના ડીજીપી આશિષ ભાટીયા, નાણાં વિભાગના સચીવ-ખર્ચ મિલિન્દ તોરવણે તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]