દલિત યુવકના વરઘોડા મુદ્દે ખંભીસર ગામમાં પરિસ્થિતિ વણસી, SRP તહેનાત કરાઈ

અરવલ્લીઃ રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની કિસ્સાઓમાં જાણે વધારો થતો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધમાલ મચી હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. અરવલ્લી સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદિલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.

દલિતના વરઘોડા મુદ્દે થયેલા વિવાદમાં પથ્થરમારો થતા પાંચ જેટલા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. દલિતોના લગ્નમાં આવેલું બેન્ડ પણ તોડી નખાયું હતું. બીજા રસ્તા પર વરઘોડો જતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી દીઘી હતી. તંગદિલી વચ્ચે પોલીસનો ટોળાને હટાવવાનો પ્રયાસ કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

ત્યારે ગઈકાલે થયેલી ધમાલ બાદ અત્યારે ગામમાં સ્થિતી તંગ બની છે. પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને રાખતા ત્યાં એસઆરપીની એક ટુકડી ગામમાં ઉતારી દેવામાં આવી છે. ત્યારે આજે ફરીથી સાબરકાંઠાના માળી ગામે વરરાજાની જાન જશે.

દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરતા કહ્યું છે કે ગુજરાત દલિતો માટે નર્ક બન્યું છે. સતત ચોથા દિવસે ઘોડે ચડવાના મામલામાં દલિતો પર જુલ્મ અને અત્યાચાર થાય છેચ.. અત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં દલિત બહેનોને બેરહેમીથી માર મારવામાં આવે છે, કેટલાક લોકો જીવ બચાવવા માટે ખેતરોમાં છુપાઈ ગયા છે. ત્યારે જિજ્ઞેશ મેવાણીએ આજે અરવલ્લી અને અમદાવાદમાં બંધનું એલાન આપ્યું છે.