મોબ લિચિંગ ગુનાને ગંભીર અપરાધ ગણાશે : ગૃહ વિભાગ

ગાંધીનગર- નાગરિકોને ઘર આંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જેના હેઠળ સરકારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અને મધ્ય ગુજરાતના કુલ 6 તાલુકાઓમાં 16મી સપ્ટેમ્બરથી પૂર્ણ સમયની અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટ કાર્યરત થશે.સૌને સમાન ન્યાય’ સૂત્ર હેઠળ રાજ્ય સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં સૌરાષ્ટ્ર ખાતે જૂનાગઢની વંથલી તાલુકામાં, અમરેલીના ઘારી તાલુકામાં, ગીર-સોમનાથના કોડીનાર તાલુકામાં અને ઉત્તર ગુજરાત ખાતે બનાસકાંઠાના થરાદ તાલુકામાં, પાટણના રાધનપુર તાલુકા ઉપરાંત મધ્ય ગુજરાત ખાતે આણંદના પેટલાદ તાલકામાં પૂર્ણ સમયની અધિક જિલ્લા ન્યાયધીશશ્રીની કોર્ટો માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓ માટે મહેકમની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

કાયદા રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સિવિલ જજો તથા સીનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કિંમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જ્યારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના કારણે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે. આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના કારણે કેસોનો ઝડપી નિકાલ થઇ શકશે.

મોબ લિચિંગ ગુનાને ગંભીર અપરાધ ગણાશે : ગૃહ વિભાગ

તોફાની ટોળાનો ભોગ બનનાર એટલે કે મોબ લિચિંગનો ભોગ બનનારના કિસ્સાઓ દેશમાં વધી રહ્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઇને ગુજરાત સરકારે કડક હાથે કામ લેવાનો નિર્ધાર કર્યો છે. મોબ લિચિંગના ગુનાને ગંભીર અપરાધ ગણી તેમાં સંડોવાયેલા વિરૂદ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરાશે, એમ ગૃહ વિભાગે જણાવાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાઓ સંદર્ભે સોશિયલ મીડિયા અથવા અન્ય કોઇ માધ્યમોથી ખોટા સમાચારો, ભડકાઉ ભાષણો, ઉશ્કેરણીજનક કે વાંધાજનક સાહિત્ય/લખાણ/બાબત ફેલાવનાર સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ – ૧૫૩(ક) તેમજ અન્ય કાયદાની સંબંધીત કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.