લઘુમતી શાળાઓએ RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે, સુુપ્રીમ કોર્ટનો ચૂકાદો…

નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર માઈનોરીટી એજયુકેશનલ ઈન્‍સ્‍ટિટયુટ એકટ હેઠળ સક્ષમ સત્તાધિકારીને લઘુમતી શૈક્ષણિક સંસ્‍થા હોવાનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી નથી, અથવા જેઓની અરજી નકારવામાં આવી છે, તેવી તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્‍થાઓએ આર.ટી.ઈ. એકટ હેઠળ ફાળવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે, તેવો નામદાર સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્‍યો છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી રાજ્યના નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને લાભ મળશે.

ઉલ્‍લેખનીય છે કે, રાજ્યની સ્‍વનિર્ભર લઘુમતી પ્રાથમિક શાળાઓમાં જે શાળાઓ પાસે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર નથી, તેવી શાળાઓમાં ધોરણ-૧માં આર.ટી.ઈ. હેઠળ રાજય સરકાર દ્વારા કુલ 2090 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. પરંતુ આવી શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ના પાડી હતી. આવા વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય ધ્યાને રાખી શિક્ષણપ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાના માર્ગદર્શન હેઠળ સુપ્રીમ કોર્ટમાં શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવામાં આવી હતી. ઉપરાંત આ કેસની ગંભીરતાને ઘ્‍યાનમાં લઈને આ કેસની તાત્‍કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે તેવી સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવીલ હતી. આ કેસ ચાલતાં સુપ્રિમ કોર્ટે આ મહત્‍વનો ચૂકાદો આપ્યો છે જેનો અનેક વિદ્યાર્થીઓને લાભ મળશે.

શિક્ષણ વિભાગે રાજ્ય સરકાર દ્વારા આર.ટી.ઈ.ના પ્રથમ રાઉન્‍ડમાં આ પ્રકારની 117 શાળાઓમાં કુલ 2090 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલા હતા તે પૈકી 33 જેટલી શાળાઓએ 387 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. આ ચૂકાદાથી વધુ 79 શાળાઓએ 1651 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે. જે લઘુમતી શાળાઓએ નેશનલ કમિશન ફોર માયનોરીટી એજયુકેશન ઈન્‍સ્‍ટીટયુટ, દિલ્‍હી ખાતે લઘુમતી પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી છે પરંતુ જેનો નિર્ણય આવ્યો નથી તેવી 17 શાળાઓમાં ફાળવેલા 415 વિદ્યાર્થીઓને અન્‍ય શાળાઓમાં પ્રવેશ ફાળવી આપવામાં આવશે.