બાળકોની સ્કૂલ બેગનું વજન ઘટાડવા આદેશ, હોમવર્ક, વજન નક્કી કરાયું

અમદાવાદઃ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ શાળામાં જે સ્કૂલ બેગ લઈને આવે છે તેના વજનની લિમિટ અંગે શાળાને સરક્યુલર છેવટે જાહેર કરવામાં આવ્યો છે. સરક્યુલરમાં બાળકોની સ્કૂલ બેગનું વજન નક્કી કરાયું છે.

ધોરણ-1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દફતરનું વજન દોઢ કીલો કરતા વધુ ન હોવું જોઈએ અને સાથે જ તેમને હોમવર્ક ન આપવાની સૂચના પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણની પોલીસીમાં કેટલાક બદલાવ કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં દરેક રાજ્યોમાં સ્કુલ બેગના વજનની લિમિટ અંગેનો નિયમ અમલ થઈ શકે છે.

ધોરણ 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બેગનું વજન 1.5 કિલો, ધોરણ 3 થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બેગનું વજન 2 થી 3 કિલો, આ પ્રમાણે ધોરણ અનુસાર બાળકોની સ્કુલ બેગનું વજન નક્કી કરવામાં આવ્યું છે.

MHRDએ પરિપત્રમાં જણાવ્યું છે કે, ધોરણ.1થી 2ના વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું હોમવર્ક આપવુ નહી. શાળાઓએ ભાષાઓ અને ગણિતના વિષય સિવાય બીજા કોઈ વિષયોને બહાર મંગાવી ધોરણ.1 અને 2ના બાળકોને ભણાવવા નહી. ધોરણ.3 અને 4ના વિદ્યાર્થીઓને NCERTની સુચના મુજબ ભાષાઓ, એન્વાયરમેન્ટ સાયન્સ અને મેથેમેટિક્સના વિષય માટે સુચનો કરી શકાશે.

તો આ સાથે જ શાળાઓ વધારાના પ્રકાશનોના પુસ્તકો કે વધારાનુ સાહિત્ય લાવવા માટે વિદ્યાર્થીઓને આગ્રહ કરી શકશે નહી. ધોરણ પ્રમાણે બેગનું જે વજન નક્કી કરવામાં આવ્યુ છે તે પ્રમાણે જ અમલ કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યારસુધી બાળકો પોતાની કેપેસીટી કરતા વધારે વજન વાળી બેગ લઈને શાળાએ જતા હતા. અને એટલા માટે બાળકોને થાક લાગી જવો, કમરમાં દુખાવો, પગનો દુખાવો વગેરે જેવી અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હતો. ત્યારે હવે માનવ સંસાધન વિકાસ મંત્રાલયના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ચોક્કસ ફાયદો થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]