મેટ્રો ટ્રેનના કોચનું એસેમ્બલિંગ શરુ, 15 જાન્યુઆરી સુધીમાં ટ્રાયલ રન

અમદાવાદઃ અમદાવાદની મેટ્રો ટ્રેનના કોચ અમદાવાદ પહોંચી ગયાં છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટની સૌથી પહેલી ટ્રેનના ત્રણ કોચ, કે જે સાઉથ કોરિયાની મે.હ્યુન્ડાઈ રોટેમ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ત્રણેય કોચની ટ્રેન 7મી ડિસેમ્બર 2018ના રોજ દરિયાઈ માર્ગે સાઉથ કોરિયાથી રવાના થઈ હતી જે ગુજરાતના મુન્દ્રા પોર્ટ ખાતે 29-12-2018 ના રોજ આવ્યા હતા અને આજે વર્ષ 2019ના પહેલાં જ દિવસે મેટ્રો રેલ પ્રોજેક્ટની પહેલી ટ્રેનનું એસેમ્બલિંગ એપેરલ પાર્ક ખોખરા ડેપો ખાતે શરુ થયું છે.

આ તમામ કોચ હુંડાઈ કંપનીના છે. ત્યારે કોચને અપરેલપાર્ક ડેપો ખાતે મુકવામાં આવશે. સાથે જ આ કોચનું ટ્રાયલ રન 15 જાન્યુઆરી સુધીમાં શરૂ કરવામાં આવશે. આ ટ્રાયલ રન કુલ 6 કિલોમીટરનો હશે.

અઢી મહિના સુધી મેટ્રો ટ્રેનનાં 3 કૉચનું પરીક્ષણ કરવામાં આવશે. આ વિશે વાત કરતા મેગાનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈ.પી.ગૌતમે જણાવ્યું કે,10થી 12 દિવસમાં પાટા પર રેલ હશે. સાડા ત્રણ વર્ષમાં ઇસ્ટ ઝોનનું કામ પૂર્ણ થયું છે. 3 કૉચની આ ટ્રેનમાં 900 લોકો મુસાફરી કરી શકશે. એક કૉચની કિંમત 10.50 કરોડ રૂપિયા છે.

મેટ્રો ટ્રેનની પેસેન્જર ક્ષમતા ૮૦૦ લોકોની રહેશે. ટ્રેનનો સેટ ૩ કોચનો રહેશે. ૩ કોચની એક ટ્રેનની લંબાઈ ૬૭.૩૨ મીટર રહેશે. જ્યારે ટ્રેનની મહત્તમ પહોળાઈ ૨.૯૦ મીટર રહેશે. ટ્રેનની ઉંચાઈ ૩.૯૮ મીટર રહેશે. ટ્રેનની મહત્તમ ઝડપ ૯૦ કી.મી.ની છે પરંતુ ૮૦ કી.મી.ની ઝડપથી ટ્રેન દોડશે.

સરેરાશ સ્પીડ ૩૪ કી.મી.ની રહેશે. પીક-અવર્સ દરમિયાન દર ૧.૭૫ મિનિટે અને ઓછીભીડ હોય તેવા સમયે દર ૧૫ મિનિટે એક ટ્રેન દોડશે. દરેક સ્ટેશન પર ટ્રેન ૩૦ સેકન્ડ ઉભી રહેશે. ટ્રેનની બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. જો અચાનક વિજળી જાય ત્યારે લાઈટ એસી અને વેન્ટીલેશન માટે એક કલાક સુધીનો બેટરી બેકઅપ હોઈ મુસાફરોને તકલીફ નહી થાય.

સલામતીની મોટાભાગની વ્યવસ્થાઓ પણ ઓટોમેટીક છે. ઇમરજન્સી એર બેક, વ્હીલ સ્લીપ કે સ્લાઇડ ન થાય તેવી વ્યવસ્થા, અકસ્માતે અથડાય તો ઓછું નુકશાન થાય તેવી ડીઝાઈન મુસાફરો માટે ઇમરજન્સી એલાર્મ, સીસીટીવી વગેરે ઉપલબ્ધ હશે.