MLA કુંવરજી બાવળિયાએ છોડી કોંગ્રેસ,ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું, ભાજપમાં જશે

અમદાવાદ-પક્ષ સામે નારાજગીની વાત જાહેરમાં સ્વીકારનાર કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધારાસભ્ય પદેશી રાજીનામું આપી દીધું છે.લાંબા સમયથી નારાજ એવા બાવળીયાએ છેવટે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. મળી રહેલી માહિતી પ્રમાણે બાવળિયાએ પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. ગુજરાતના સીએમ રૂપાણી ઇઝરાયેલના પ્રવાસેથી પરત આવતાં જ તેમની સાથે બેઠક કરી લીધી હતી. અને છેવટે તેમણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.ગત સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા તેમને મળવા માટે અમદાવાદ આવ્યાં ન હતાં. બાવળિયા આ પહેલાં નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચુક્યા હતાં.

કુંવરજી હવે ભાજપ સાથે જોડાવાના છે. મળતી ખબર પ્રમાણે તેઓ આજે ભાજપમાં જોડાઇને કેસરીયો ખેસ ધારણ કરી શકે છે. કુંવરજી બાવળીયાના આ પગલાંથી કોંગ્રેસ અને ભાજપ બંને પર દૂરોગામી અસર લોકસભા ચૂંટણીના સમીકરણોને લઇને સર્જાશે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસે તેમને તમામ પ્રકારનું માન આપ્યું છે અને તેમની દરેક રજૂઆત સાંભળવામાં આવી હતી. તેમનું વ્યક્તિગત કોઇ કારણ હોઇ શકે છે જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોઇ શકે છે.