કેસર કેરીએ સરકારને કરાવી આટલાં કરોડની કમાણી…

ગાંધીનગર- સ્વાદિષ્ટ કેરીના વેચાણથી સરકારને કરોડો રુપિયામાં આવક મળી છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા રૂ. ૮૦ લાખનો ડિવિડન્ડ ચેક અર્પણ કરવા પ્રસંગે આ માહિતી બહાર આવી હતી. આ વર્ષે નિગમે રુપિયા ૮ કરોડની ૧૦૦૦ મેટ્રિક ટન કાર્બાઇડ ફ્રી કેસર કેરીનું વેચાણ ‘કેસર મેંગો ફેસ્ટિવલ’ દ્વારા કર્યું હતું.મુખ્યપ્રધાન વિજય રુપાણીને રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ર૦૧પ-૧૬ના વર્ષના ડિવીડન્ડ પેટે રાજ્ય સરકારના ફાળાનો રૂ. ૮૦ લાખ ૮ર હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.રાજયના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચrવ સંજયપ્રસાદ અને કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર મહમદ શાહીદે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનને આ ચેક અર્પણ કર્યો હતો.

આ કોર્પોરેશનની શેરમૂડી ૮ કરોડ ૮ લાખ રૂપિયાની છે તેની ૧૦ ટકા ઇક્વિટી પેટે ગુજરાત સરકારને આ ડિવીડન્ડ ચેક અર્પણ કરાયો હતો.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને રાજ્યના ધરતીપુત્રોને ખાતરની અછતના સમયે પણ સરળતાએ યુરિયા અને ડી.એ.પી. ખાતર ઉપલબ્ધ કરાવવા આ વર્ષે રૂ. ૮૫ કરોડની કિંમતે ૯૦ હજાર મેટ્રિક ટન ખાતર ખરીદીને સ્ટોરેજ કર્યુ છે.અંતિરયાળ વિસ્તારો સહિત રાજ્યમાં ૧૦૦૦ જેટલા એગ્રો બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી આ કોર્પોરેશન ખેડૂતોને ગુણવત્તાયુકત બિયારણ વાજબી ભાવે પૂરૂં પાડે છે.ગુજરાતના નાગરિકો સમાજવર્ગોને કાર્બાઇડ ફ્રી કેસર કેરી ઉપલબ્ધ થાય તે હેતુથી એક અભિગમરૂપે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ‘કેસર મેંગો ફેસ્ટીવલ’નું સફળતાપૂર્વક આયોજન કરે છે.

આ વર્ષે અંદાજે રૂ. ૮ કરોડની ૧૦૦૦ મેટ્રિક ટન કાર્બાઇડ ફ્રી કેસર કેરી તથા ગત વર્ષ આવી ૭પ૦ મેટ્રિક ટન કેસર કેરીનું નિગમ દ્વારા ગુજરાતમાં વેચાણ થયું છે.