સંપની મિશાલઃ પોતાની દીકરી સાથે એકમાંડવે પરણાવી 7 દલિત દીકરીઓ

પાલનપુર – જુદાં જુદાં સમાજોમાં હાલ મનમુટાવના કિસ્સા ઘણાં બહાર આવે છે અને વૈમનસ્યની ભાવના ફેલાયાનો અનુભવ કરાવે છે. ત્યારે પાલનપુરથી ફક્ત સાત કિલોમીટરના અંતરે આવેલ નાનકડાં અજીમણા ગામના અમૃત દેસાઇએ દલિતો માટે સંપસહકારની ભાવનાની મિશાલ પૂરી પાડી હતી.

હૃદયસ્પર્શી એવી આ ઘટનામાં વિગત એવી છે કે  અમૃતભાઇની પોતાની દીકરીના લગ્ન હતાં. તેની સાથે તેમણે દલિત સમાજની સાત દીકરીઓના પણ લગ્ન કરાવ્યાં હતાં. તેમના આ સુંદર કાર્યમાં ગામના લોકોએ પણ રંગેચંગે સાથ આપ્યો હતો.. અનોખા એવા આ સમૂહલગ્નમાં લગભગ ત્રણ હજાર જેટલાં લોકોએ ઉપસ્થિત રહી દલિતો પ્રત્યેના વર્તાવમાં સામાજિક સન્માન અને પ્રેમની અનુભૂતિ કરાવી હતી.

અમૃત દેસાઇએ તમામ ખર્ચો ઉપાડીને આ લગ્નો કરાવ્યાં હતાં એટલું જ નહીં, વરકન્યાને સંસાર શરુ કરવા મદદરુપ થવાના માટે ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ પણ ભેટમાં આપી હતી.

અમૃતભાઇએ જણાવ્યું કે મારી દીકરીના લગ્નના માંડવાની સાથે જ દલિત દીકરીઓના માંડવા લીધાં તેની પાછળ મારો હેતુ એ છે કે સમાજમાં દલિતો સાથે સંપસંવાદિતા સ્થપાય. મારા વિચારને લઇને દીકરીના સાસરીયાં પણ સહમત થયાં હતાં. બાદમાં મેં ગામના લોકોને મારો વિચાર જણાવ્યો તો તેઓ પણ રાજીખુશીથી આ લગ્નમાં મહાલવા તૈયાર થઇ ગયાં હતાં.