અમદાવાદમાં દુખદ ઘટનાઃ સાયક્લિંગની મોજ માણવા નીકળેલા યુગલનું બસે ટક્કર મારતાં કરૂણ મોત

અમદાવાદ – ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ આવતા અંડરબ્રિજ પાસે ગઈ કાલે શુક્રવારે મોડી સાંજે ટોરેન્ટ કંપનીની એક બસના ડ્રાઇવરની તબિયત લથડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાઈકલ પર સવાર થયેલા એક યુવક અને એક યુવતીને બસે અડફેટે લેતાં તેઓ 50 ફૂટ સુધી ફંગોળાઈ ગયાં હતાં. અકસ્માતમાં બંનેનું મોત નિપજ્યું હતું. આ બંનેની હજી થોડા સમય પહેલાં જ સગાઈ થઈ હતી અને ફ્રેબ્રુઆરીમાં એમનાં લગ્ન થવાના હતા.

બીજી તરફ  બસના ડ્રાઇવર લાલશંકરને પેરાલિસિસનો એટેક આવ્યો હોવાથી એને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, પણ હાર્ટ એટેકને કારણે એનું પણ મૃત્યુ નિપજ્યું છે, એમ પોલીસે જણાવ્યું છે.

વૈષ્ણોદેવી સર્કલથી અંડરબ્રિજ પાસે શુક્રવારે સાંજે ગોદરેજ ગાર્ડન સિટીમાંથી આ યુગલ સાઈક્લિંગ કરવા નીકળ્યું હતું. એ દરમિયાન ટોરેન્ટની સ્ટાફ બસે તેમને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 

ગોદરેજ ગાર્ડન સિટીના દેવમ એપાર્ટમેન્ટમાં રહેતો તથા ખાનગી કંપનીમાં નોકરી કરતો રોશન ઠાકુર અને થલતેજમાં રહેતી તથા આ જ વિસ્તારમાં S&P કંપનીમાં નોકરી કરતી તેની મંગેતર સ્વાતિ શર્મા ગોદરેજ ગાર્ડન સિટીથી ‘માય બાઈક’ ભાડે લઈને સાઇક્લિંગ માટે નીક‌ળ્યાં હતાં.

બંને જણ ઝૂંડાલથી વૈષ્ણોદેવી તરફ અંડરબ્રિજ પાસે પહોંચ્યાં ત્યારે પાછળથી ટોરેન્ટની બસે રોશન અને સ્વાતિ, બંનેની સાઈકલને ટક્કર મારી હતી. 

કમનસીબ યુગલઃ રોશન ઠાકુર અને તેની મંગેતર સ્વાતિ શર્મા

અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીના સમગ્ર વાળનો જથ્થો એક તરફ થઇ ગયો હતો અને બંનેનાં મૃતદેહ બિહામણા થઈ ગયા હતા.

બસે રિક્ષા અને એક કાર સહિત અન્ય વાહનોને પણ ટક્કર મારી હતી. એક અન્ય મહિલા પણ ઈજાગ્રસ્ત થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

ટોરેન્ટ કંપનીની બસ દ્વારા અમદાવાદ શહેરમાં અકસ્માત થયો હોય એવી તાજેતરમાં આ બીજી ઘટના છે.

(અહેવાલ અને તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]