મોડાસા: ચામુંડા માતાજીના મંદિરના ડુંગર પર ભીષણ આગ, જંગલ હોવાથી ભય વ્યાપ્યો

મોડાસાઃ અરવલ્લીના મોડાસામાં આવેલા સરડોઈ ગામ પાસેના ડુંગરોમાં ભીષણ આગ લાગી હતી. અહીં ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના ડુંગર પર ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરુપ પકડતાં જંગલમાં લગભગ 500 મીટર સુધીના વિસ્તારમાં ભરડો લીધો હતો. આગની જાણ થતાં ફાયરબ્રીગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહામહેનતે સતત ચાર કલાક ઝઝૂમીને આગને કાબૂમાં લીધી હતી.

બપોરના સમયે અહીં અંદાજે 500 મીટરના ડુંગરાળ વિસ્તારોમાં આગ લાગી હતી.  આ ડુંગર પર ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, જેના કારણે અનેક શ્રદ્ધાળું ફસાયા હોવાનું પહેલાં માનવામાં આવ્યું હતું. જોકે સદભાગ્યે કોઈ આગમાં ફસાયું ન હોવાની જાણ થતાં રાહતનો શ્વાસ લેવાયો હતો.

પ્રાથમિક ધોરણે સૂકાં પાન, ઘાસ, રુખડી વગેરે સળગાવાતાં આગ વ્યાપકપણે ફેલાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે લગભગ પાંચ હેક્ટર વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ઘટના અંગે કલેક્ટરને પત્ર લખીને વિગતો આપી હતી.

આગને કાબૂમાં લેવા ત્વરિત કાર્યવાહી કરતાં વનવિભાગના કર્મચારીઓ અને ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં મેળવવાના ભારે પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.

બે કલાકથી વધુ સમયથી આગ લાગેલી હતી અને કોઇ જાનહાનિ ન હોવા છતાં આગનો આ બનાવ તંત્રને દોડધામ કરાવનાર બની રહ્યો હતો. કારણ કે આસપાસ કેટલાંક ગામ પણ આવેલા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયની લાગણી પ્રવર્તી હતી. જંગલ વિસ્તાર હોવાને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓના પગલે ભય વ્યાપી ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]