લંડનની એમજી મોટર્સ દ્વારા મેડ ઈન ગુજરાત ટેગવાળી કાર દેશવિદેશના બજારમાં…

0
1995

અમદાવાદઃ પશ્ચિમ ભારતના ઓટો હબ ગણાતા એમજી મોટર્સ પોતાની કારનું ઉત્પાદન હવે ગુજરાતમાં કરશે. એમજી મોટર્સ મૂળ લંડનની કંપની છે અને આ કંપનીએ હાલોલમાં તેના પ્લાન્ટ ખાતે કામકાજ શરુ કર્યું હતું. એમજી મોટર્સનું પ્રોડક્શન શરુ થતાં મેડ ઈન ગુજરાત ટેગવાળી કાર દેશવિદેશના બજારમાં પણ ઉપલબ્ધ બનશે.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ટાટા નેનોના આગમન બાદ ફોર્ડ મોટર્સ, હોન્ડા મોટરસાઇકલ અને મારુતિ સુઝુકીએ કાર અને સ્કૂટરના પ્લાન્ટ ગુજરાતમાં શરૂ કરતાં ગુજરાતે વિશ્વભરમાં ઓટો મેન્ફેક્ચરિંગ મેપ પર સ્થાન મેળવ્યું હતું. જોકે તાજેતરમાં હાલોલમાં જનરલ મોટર્સના સ્થાને તે જ જગ્યા પર સ્થપાયેલા એમ જી મોટર્સના નવા પ્લાન્ટમાં તેની એસયુવી કાર હેસ્ટરનું ટેસ્ટિંગ છેલ્લા કેટલાક મહિનાથી ચાલતું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે અઠવાડિયાંથી એમજીના લોગો સાથેની એસયુવી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટેસ્ટિંગ માટે દોડતી થઈ હતી. આ કારના સફળ ટેસ્ટિંગ બાદ કંપનીને ઉત્પાદન શરૂ કરવા લીલી ઝંડી મળી હતી, જેના પગલે કંપનીએ હાલોલ ખાતે તેના પ્લાન્ટમાં વિધિવત કોમર્શિયલ ઉત્પાદન શરૂ કર્યું છે.

એસઓપીમાં શાંઘાઇ મોટર્સ, એસજીએમ ડબલ્યુના ટોપ મેનજમેન્ટ અને ચાઇનીઝ ડેલીગેશને પણ ખાસ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે એમજી મોટર્સને ચાઇનીઝ કાર ઉત્પાદક એસએઆઇસીએ હસ્તગત કરી હતી. હાલોલ સ્થિત એમજી મોટર્સનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ તેના ડીલર નેટવર્ક સ્થાપવાની કવાયત પણ હાથ ધરી છે. હવે કંપની ઉત્પાદન શરૂ કરવાની સાથે સેલ્સ નેટવર્કની કામગીરી પણ તેજ કરી રહી છે અને આગામી એક-બે મહિનાઓમાં જ હેસ્ટરનું કોમર્શિયલ લોન્ચિંગ કરશે.

ઓટો સેક્ટરનાં જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, “કંપની હેક્ટર એસયુવી 1.5 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન, 2.0 લિટર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરશે. ટર્બો-પેટ્રોલ એન્જિનને 6-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક અને મેન્યુઅલ ગિયરબોક્સ ધરાવે છે. કારમાં ૪8V હાઈબ્રિડ વેરિઅન્ટ હશે જે પેટ્રોલ વેરિયન્ટ કરતાં 12 ટકા વધુ ફ્યુઅલની કાર્યક્ષમતાવાળું હોવાનો કંપનીએ અગાઉ દાવો કર્યો છે. નવી હેક્ટરની કિંમત ₹15 લાખની આસપાસ રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. કંપની તરફથી કારની કિંમત કે તેના કોમર્શિયલ લોંન્ચિંગની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.