આંખની વિવિધ બીમારીઓથી પીડાતાં લોકોને અહીં મળશે વાજબી દરે સારવાર

અમદાવાદ- આંખની વિવિધ બીમારીઓથી પીડાતાં લોકોને વાજબી દરે સારવાર ઉપલબ્ધ બનાવતી લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આંખની હોસ્પિટલ દ્વારા વધુને વધુ દર્દીઓને ઝડપી તથા અસરકારક સારવાર મળી રહે તે હેતુથી નવા કમ્પ્રિહેન્સિવ આઈ કેર સેન્ટર (સંપૂર્ણ નેત્ર નિદાન કેન્દ્ર)નો પ્રારંભ કરાયો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ખુલ્લા મુકાયેલા આ સંપૂર્ણ નેત્ર નિદાન કેન્દ્રમાં દરેક દર્દીને એક જ છત નીચે મોતિયાથી લઈને આંખના તમામ રોગોની સંપૂર્ણ તપાસ અને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે.

લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી ફાઉન્ડેશનના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવી લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આંખની હોસ્પિટલમાં આ માટે 10 નવા વિભાગો શરૂ કરાયાં છે, જેમાં મોતિયાબિંદ, ડાયાબિટિક રેટિનોપેથી, ઝામર, આંખની કીકીના રોગોની સારવાર, આંખને લગતી પ્લાસ્ટિક સર્જરી, ત્રાંસી આંખના રોગોની સારવાર, કોન્ટેક્ટ લેન્સ ક્લિનિક તથા અત્યંત ઓછી નજર માટેની સારવારના વિભાગનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે પણ રાજ્યના ખાસ કરીને ઓછી આવક ધરાવતા નાગરિકોને અત્યાધુનિક સારવાર લેવામાં આર્થિક અવરોધો ના નડે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. જે પૈકી માં અમૃતમ્ વાત્સલ્ય યોજના હેઠળ 44 લાખથી વધુ પરિવારોને વિવિધ ગંભીર બીમારીઓની સારવાર માટે રૂ. 3 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. સરકાર આ માટે વર્ષે રૂ.1,000 કરોડથી વધુની ફાળવણી કરે છે.

આ ઉપરાંત ઘૂંટણની સમસ્યાથી પીડાતાં વરિષ્ઠ નાગરિકો માટે ની-રિપ્લેસમેન્ટ ઘૂંટણ દીઠ રૂ. 40,000 સુધીની સહાય તથા માર્ગ અકસ્માતમાં ઈજા પામનારા નાગરિકોને ‘ગોલ્ડન પીરિયડ’ દરમિયાન નાણાંકીય અવરોધને લીધે ત્વરિત સારવાર અટકી ના પડે તે માટે રૂ.50,000 સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]