સિંહ દર્શન બંધઃ ગીર જતાં પ્રવાસીઓ માટે ખાસ ખબર

જૂનાગઢઃ ગીરમાં જતાં પ્રવાસીઓ માટે સિંહદર્શન સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. સાસણમાં વનકેસરીની અદાછટા નિહાળવા કલાકેની રાહ જોતાં પ્રવાસીઓ નિરાશ ન થાય તે માટેના આ ખાસ ખબર છે.

કારણ કે આજથી વનરાજનું વેકેશન શઈ ગયું છે. આજથી સાસણમાં સિંહ દર્શન બંધ રહેશે. તેમ જ સફારી માટેના રૂટ પણ બંધ કરી દેવાશે. 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી વનરાજનું વેકેશન રહેશે. પરંતુ પ્રવાસીઓએ નિરાશ થવાની જરૂર નથી કારણ કે પ્રવાસીઓ માટે દેવળીયા પાર્ક ચાલુ રહેશે.

મહત્વનું છે કે ચોમાસાની સીઝન સિંહ સહિત મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન રાખવામાં આવે છે. આ વેકેશન આવનારી 16 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે.

વન્યજીવોને ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન અને સફારી માટે લઈ જતી જીપ્સીના તમામ રૂટો આજથી બંધ કરી દેવામાં આવ્યા છે. જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે જેથી વાહનો લઈને અવરજવર કરવી શકય નથી. અને એટલા માટે પણ આ ચાર મહિના ત્યાં કોઈપણ વ્યક્તિ કે ખાનગી વાહનના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે.

આજથી પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લું રહેશે. અને ચોમાસા દરમિયાન ભારે વરસાદની સ્થિતિ હશે તો દેવળીયા પાર્ક પણ બંધ રાખવામાં આવશે.