સિંહના મૃત્યુનો આંકડો 13 થતાં રેસ્ક્યૂ માટે 60 ટીમો બનાવાઈ, તમામ સિંહનું સ્ક્રિનિંગ કરાશે

ગીરઃ દલખાણિયા રેન્જમાં વધુ બે સિંહોના મૃત્યુ બાદ વન્યજીવપ્રેમીઓ અને પ્રશાસનમાં ખળભળાટ વ્યાપી ગયો છે. બે સિંહોના મોત સાથે મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. ત્યારે સિંહોનો મૃત્યુંઆક હજી વધે તેવી શક્યતાઓ છે.

10 દિવસમાં 13 જેટલા સિંહોના મૃત્યું થતાં તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. અત્યારે ફોરેસ્ટ વિભાગની 60 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ તમામ ટીમો 523 જેટલા તમામ સિંહોનું રેસ્ક્યુ કરશે અને ત્યારબાદ તમામ સિંહનું સાસણ રેસ્ક્યુ સેન્ટર ખાતે સ્ક્રિનિંગ કરાશે.

ગીરના પૂર્વ વિસ્તારમાં દલખાણીયા રેન્જના વિસ્તારમાં આઠ જેટલી ટીમો દ્વારા 8000 હેક્ટરથી વધારે વિસ્તારના અંતરિયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 4 વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં હોવાનું જણાતાં તેને સારવાર અર્થે નિરીક્ષણમાં રાખવામાં આવી હતી પરંતુ તેને સારવાર આપવામાં આવે તે પહેલાં જ તેનુ મૃત્યુ થયું હતું. મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાંથી ચીપ મળી આવી હતી જેના ઉપરથી જાણવા મળ્યું કે, આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બિમાર હતી, અને તેને સારવાર આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં 13 સિંહોનું મૃત્યુ થતા હાંહાકાર મચી ગયો છે. કારણ કે ગુજરાતના સિંહો માત્ર ગુજરાતનું જ નહી પરંતુ સમગ્ર દેશનું ગૌરવ છે. આ સિંહો આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા ગીર અભ્યારણ્યમાં જ જોવા મળે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]