અમદાવાદ- ગીરમાં 23 સિંહોના મોત બાદ મામલો ગંભીર બનતા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, અને દોષિત લોકોને સજા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યા હતાં. 31 સિંહોના આઈસોલેશન મામલે ઈન્ફેક્શન રોકવા સરકારે શું પગલાં લીધા છે. નિષ્ણાતોની સલાહ શું છે અને તેનું કેટલું પાલન થયું છે. આ ઉપરાંત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યા હતાં કે, વાઘ માટે 15 લાખ અને સિંહો માટે ફક્ત 95 હજારનું ફંડ જ કેમ? સિંહોના રાખરખાવ માટે શું આયોજન ? વાઘ માટે ફંડની રકમ સિંહો કરતા વધુ છે.
આ ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ હાઈકોર્ટમાં દાખલ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું કે, હાલમાં 31 સિંહોને અન્ય સિંહોથી અલગ રખાયા છે. સિંહોના મોત મામલે સરકાર ગંભીર છે. બધા સિંહોનું વેક્સિનેશન કરાવવું જરૂરી નથી. 500 સિંહોને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે અને એ સિંહો માટે બીજી રસી મગાવવામાં આવી છે.
જ્યારે વધુ રસી અમેરિકાથી મંગાવવામાં આવી છે. સરકારે વધુમાં જણાવ્યું કે, સિંહોના મોતને અટકાવવા માટે ફેસિંગ પણ કરવામાં આવશે. આ સાથે ગીર વિસ્તારમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આ માટે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના જાણકાર લોકો કામ કરી રહ્યાં છે. સરકાર દ્વારા સિંહોના મોતને અટકાવવા માટે જરૂરી પગલા પણ લેવામાં આવશે. જેમાં તમામ સિંહોનું રસીકરણ કરવું,જંગલોમાં ખુલ્લા કુવાઓને ઢાંકવા , ગેર કાયદે વીજ કનેક્શન લીધેલા હોય તે બંધ કરવા તેમજ માર્ગો પર કેમેરા અને સ્પીડ ગન મૂકવા માટેના સૂચન અપાયા છે.
નોંધનીય છે કે, 23 સિંહોના મોત બાદ આ મામલાની હાઈકોર્ટ ગંભીરતાથી નોંધલઈ રહી છે. અને આગામી બુધવારે નવી ગાઈડલાઈન જાહેર કરે તેવી શક્યતા છે.