ધનતેરસના દિવસે સચિવાલયમાં પ્રવેશ બંધ!! કારણમાં દીપડો

ગાંધીનગર-  ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં વહેલી સવારે દીપડો દેખાયાના સમાચારને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. નવા સચિવાલયના પ્રાંગણમાં દીપડો ઘૂસ્યો હોવાની આશંકા છે અને તેથી વનવિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. સમગ્ર સંકુલની અંદર કર્મચારીઓ સહિત તમામ લોકોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે.  દીપડો ગેટ નંબર છથી સાતની આસપાસ હોવાનું મનાય છે. વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દીપડાની શોધખોળમાં જોડાયું છે.ગાંધીનગર પાસેની સાબરમતી નદીની કોતરોમાં અનેક વખત દીપડાએ દેખા દીધી હોવાના સમાચાર મળતા હોય છે, ત્યારે સોમવારે વહેલી સવારે નવા સચિવાલય વિધાનસભા સંકુલમાં દીપડો ઘૂસી હોવાના સમાચાર મળ્યા છે. આથી પોલીસ સહિતનો કાફલો દીપડો શોધવા કામે લાગી ગઈ છે. સાબરમતી નદીની કોતરોમાં વારંવાર દીપડો દેખાતો હોવાના કારણે ભયનો માહોલ પણ જોવા મળે છે. નદી પટના ગામડાઓમાં તો ચર્ચા પણ ચાલતી હોય છે કે, દીપડો આ કોતરોમાં જ વસવાટ કરે છે.

ધનતેરસની વહેલી સવારે નવા સચિવાલય સંકુલમાં દીપડાના પ્રવેશને લઈને આજુબાજુના પોલીસ સ્ટેશનમાંથી પોલીસનો કાફલો પણ બોલાવી લેવામાં આવ્યો છે. જ્યારે સંકુલના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે, અને અંદર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દીપડાની શોધખોળ કરી રહ્યા છે, પરિણામે તમામ લોકોને વિધાનસભા સંકુલની અંદર પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. દીપડાના સમાચારને લઈને વિધાનસભા સંકુલ નવા સચિવાલયના તમામ દરવાજે લોકોના ટોળેટોળા ઉમટી રહ્યા છે.