શ્રમયોગીઓને દીવાળીની ભેટ: વણચૂકવાયેલા રુ.8 કરોડ ચૂકવશે સરકાર

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ૭પ હજાર જેટલા શ્રમયોગીઓને તેમના વિવિધ લાભ-  હક્કના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા ૮ કરોડ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે, રાજ્યના વિકાસમાં પોતાના શ્રમની પરાકાષ્ટાથી ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા શ્રમયોગીઓના જે લાભ હક્કના નાણાં વણચૂકવાયેલા રહેલા છે તે શ્રમયોગીઓને પરત આપીને દિપાવલી પર્વનો ઉજાસ તેમના પરિવારોમાં પ્રગટાવવાનો નિર્ણય આ સરકારે કર્યો છે.

મુખ્યપ્રધાને અમદાવાદમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ એકમોમાં શ્રમદાન કરી રહેલા શ્રમયોગીઓના સંતાનોને શિક્ષણ સહાય, આરોગ્ય સહાય સહિત શ્રમયોગીઓને સહાય એમ કુલ રૂ.૪.પ૦ કરોડના સહાય ચેકનું વિતરણ કર્યુ હતું. શ્રમયોગીઓ તેમજ તેમના પરિવારજનોને કામકાજના સ્થળે, ઘરઆંગણે તબીબી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પાંચ મોબાઇલ એમ્બ્યુલન્સ વાન સેવાઓનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન સુનિલભાઇ સિંઘીએ જણાવ્યું કે, રૂા.૨૨ લાખની પ્રવૃત્તિ સાથે શરુ થયેલું બોર્ડ આજે રૂા.૩૨ કરોડની પ્રવૃત્તિ કરી રહ્યું છે અને આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧૦૦ કરોડની શ્રમયોગીલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]