Knowledge is future નીતિ વિકાસ ક્ષેત્રે નવા પરિણામો સર્જશે: ઇઝરાયલના PM નેતન્યાહુ

  • ખેડૂતોની આવક બમણી કરવાના રાષ્ટ્રના સંકલ્પની સિધ્ધિમાં ઇઝરાયલની કૃષિ ટેકનોલોજી સહાયરૂપ બનશે: PM નરેન્દ્ર મોદી
  • આધુનિક ટેકનોલોજી-બજાર આધારિત ગુણવત્તાયુક્ત ઉત્પાદન- સૂક્ષ્મ પિયત-વેસ્ટ મેનેજમેન્ટ જેવી આધુનિક પધ્ધતિ દ્વારા કૃષિ ક્રાંતિ માટે ખેડુતોને આહવાન કરતાં મોદી
  • ઇન્ડો-ઇઝરાયલની પાર્ટનરશીપને અમેઝીંગ પાર્ટનરશીપ ગણાવતાં ઈઝરાયલના PM નેતન્યાહુ
  • કચ્છના કુકમા ખાતે ખારેક પાકના સેન્ટર ઓફ એક્સેલન્સનું ડીજીટલી લોકાર્પણ કરાયું

સાબરકાંઠા– ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પાવનભૂમિ ઉપર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને આવકારી તેમને ભારતના પરમમિત્ર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે વર્ષ-૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પને સિધ્ધ કરવા ઇઝરાયલની કૃષિ ટેકનોલોજી અત્યંત સહાયરૂપ બની રહેશે.વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી કૃષિ આધુનિક વૈજ્ઞાનિક પધ્ધતિથી આગળ વધે તે દિશામાં આપણા પ્રયાસો છે. ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી બજાર આધારિત ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન, પાણીના બૂંદ-બૂંદનો આયોજનબધ્ધ ઉપયોગ, ઓછામાં ઓછો કૃષિ વેસ્ટ અને કૃષિ વેસ્ટ મેનેજમેન્ટમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આધુનિક કૃષિ માટે વિચારવું પડશે. આ માટે વદરાડનું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ અને કચ્છમાં શરૂ થઇ રહેલું ખારેક માટેનું  સેન્ટર ફોર એક્સેલન્સ શ્રેષ્ઠ સહાયરૂપ સાબિત થશે.

નાની-નાની બાબતો વિશે વિચારવાથી મોટું પરિણામ મેળવી શકાય તેની સમજ આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે કૃષિ કચરાને બાળી નાખવા કરતા કચરામાંથી કંચનનું સર્જન કરવાનું વિચારવું પડશે. ખળખળ વહેતા પાણીથી કૃષિ કરવાના વિચારને બદલે પ્રત્યેક બૂંદ દ્વારા વધુ પાક ઉત્પાદન વિશે વિચારવું પડશે. તેમણે પાણી અને પરિશ્રમના બચાવ ક્ષેત્રે વિચારવા કિસાનોને અનુરોધ કર્યો હતો. કૃષિ ઉત્પાદનમાં ગુણવત્તા અને સજીવ ખેતી આજના વિશ્વની માંગ છે એ દિશામાં આગળ ધપવા દેશભરના કિસાનોને આહવાન કરી વડાપ્રધાને ગુજરાતના આ બંને સેન્ટર ઓફ એક્સેલન્સને દેશભરના કિસાનો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.ગુજરાત અને ઇઝરાયલ દેશની ભૌતિક સ્થિતિ લગભગ મળતી આવે છે તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે રણ વિસ્તાર, પાણીનો અભાવ, ઓછી જમીન, ગરમ વાતાવરણ જેવી સમાન ભૌગોલિક સ્થિતિ વચ્ચે ભારત-ઇઝરાયલના સંબંધો દેશના વિકાસક્ષેત્રોમાં ખાસ કરીને કૃષિ વિકાસ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવશે. પીએમ મોદીએ નેતન્યાહુ દંપતિનો ગુજરાતની મુલાકાત બદલ આભાર માન્યો હતો.

’ધન્યવાદ મેરે પ્યારે દોસ્ત’ કહીને પીએમ મોદીનું અભિવાદન કર્યું

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીનું ’’ધન્યવાદ મેરે પ્યારે દોસ્ત ’’ કહીને અભિવાદન કર્યુ હતુ. તેમણે ઇન્ડો-ઇઝરાયલ પાર્ટનરશીપને ‘‘અમેઝીંગ પાર્ટનરશીપ’’ ગણાવી જણાવ્યું હતું કે બંને દેશોનો સહયોગ વિકાસને નવી ઊંચાઇ આપશે. તેમણે ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સના માર્ગદર્શન દ્વારા ગુણવત્તાલક્ષી વધુ ઉત્પાદન મેળવ્યું છે તે જાણીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાયબલના સમયથી ઇઝરાયલની જયુરિચી પ્રજા ખજુર, ઘઉં  જેવા પાકોની પરંપરાગત ખેતી કરતી હતી. અમે વૈજ્ઞાનિક કૃષિ દ્વારા મરૂ ભૂમિમાં કૃષિ ક્ષેત્રે નવા પરિણામો સજર્યા. અમે માનવ સમુદાયને ’’ ટેકનોલોજી અને ગુડનેશ’’ આપ્યા.સમાજ માટે સહયોગી બનીને જીવવું એ અમારી પરંપરા છે તેમ જણાવી નેતન્યાહુએ લોકોના જીવનને વધુને વધુ ખુશહાલ બનાવવાના પ્રયાસોને દોહરાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલ અને ભારત Knowledge  is future ની નીતિમાં માને છે. ભારત પાસે વિઝન છે…. ભારત પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ છે ત્યારે બન્ને દેશો પરસ્પર સહયોગ દ્વારા વિકાસની નવી ઊંચાઇ હાંસલ કરશે.

ઇન્ડો-ઈઝરાયલ પાર્ટનરશીપના પ્રતીક સમા સાબરકાંઠાના વદરાડ સેન્ટર ઓફ એક્સેસલન્સ ખાતે બન્ને દેશના વડાપ્રધાનોએ કચ્છ જિલ્લાના કુકમા ખાતે નવનિર્મિત ખારેકના પાક માટેના સેન્ટર ઓફ એક્સેલન્સનું ડીજીટલી લોકાર્પણ કર્યુ હતુ. અને વદરાડ કેન્દ્ર ખાતે ઇન્ડો-ઇઝરાયલના ૨૫ વર્ષના સહયોગની સ્મૃતિરૂપ સ્મૃતિસ્તંભનું અનાવરણ પણ કર્યુ હતુ. મહાનુભાવોએ પ્લગ નર્સરીની પણ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે ઇઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુના ધર્મપત્ની સારા નેતન્યાહુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજયના કૃષિપ્રધાન આર.સી.ફળદુ, રાજયકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર, મુખ્ય સચિવ જે.એન.સિંઘ સહિતના ભારત અને ઇઝરાયલ સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ વદરાડ કેન્દ્રના માર્ગદર્શન દ્વારા સાધેલી પ્રગતિનો શાબ્દીક ચિતાર પણ આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]