ખોયા-પાયાઃ 15 દિવસમાં શોધી લીધાં ગુમ થયેલાં 12 બાળક

0
2012

ગાંધીનગર-ગુમ થયેલાં બાળકોની શોધમાં મદદરુપ થતાં પોર્ટલ ખોયાપાયા વિશે લગભગ અજ્ઞાનતા પ્રવર્તે છે ત્યારે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી ગાંધીનગર દ્વારા ઇ.ડી.આઇ. કેમ્પસ ખાતે ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ અંગે બે દિવસીય તાલીમ વર્ગ યોજાયો હતો.

છેલ્લાં ૧૫ દિવસ દરમિયાન મુંબઇમાંથી ૮ અને રાજસ્‍થાનમાંથી ૪ મળી કુલ ૧૨ જેટલા ગુજરાતના બાળકો શોધીને લાવવામાં આવ્યા છે. આમ છેલ્લા એક વર્ષમાં કુલ ૨૨ ગુજરાતના બાળકોને અન્ય રાજયોમાંથી શોધી કાઢવામાં સફળતા મળી છે. જયારે ગુજરાતમાંથી વર્ષ- ૨૦૧૬-૧૭ દરમિયાન કુલ ૬૮ જેટલા બાળકોને અન્ય રાજયોના હોવાથી જે તે રાજયમાં મોકલવામાં આવ્યા છે.

બાળ સુરક્ષાના કાયદાઓ અને જોગવાઇ તથા ચાઇલ્ડ કેર હોમ દ્વારા સમગ્ર દેશમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સીસ્ટમની શરૂઆત સૌ પ્રથમ વેસ્ટ બંગાળથી શરૂ થઇ હતી. રાજ્યના ગૃહ વિભાગના સંકલનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી દેશના ખોવાયેલ બાળકોનો અદ્યતન ડેટા ડે ટુ ડે અપડેશન કરી જોઇ શકાય છે. ખાસ કરીને ખોવાયેલ બાળકો માટે ‘ખોયા પાયા’ પોર્ટલથી મળી આવેલ બાળકોના માતાપિતા શોધવામાં વધુ સરળતા ઉપલબ્ધ થઇ છે. ગુજરાતમાં કુલ ૧૨૫ જેટલા ચાઇલ્ડ કેર હોમ કાર્યરત છે જેમાં અંદાજે ૫૪૦૦ જેટલા બાળકો રહે છે.   પોલીસ વિભાગના આઇ.જી. અનિલ પ્રથમે જણાવ્યું હતું કે મળી આવેલ બાળકો માટે દરેક પોલીસ સ્‍ટેશનમાં આર ફોર્મ ભરવાનું ફરજીયાત પણે રાખવામાં આવ્યું છે. ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્‍ટમ ડેવલપ કરવાથી દેશના તમામ રાજયો સાથે બાળકોના ડેટાની માહિતીનું આદાન-પ્રદાન સહેલાઇથી થઇ શકે છે. આ ઉપરાંત એન્ટી હ્મુમન ટ્રેકિંગ યુનિટની કામગીરી હાથ ધરી છે. સીટીએસ દ્વારા ગુજરાતમાં મળી આવેલ બાળકો અને તેમાં કેટલા સારસંભાળવાળા છે તે જાણી શકાય છે.

ગુજરાત સ્‍ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્‍ટમનું મીસીંગ અને મોનીટરીંગ સેલ, ઇ.ડી.આઇ, ભાટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં એન.એલ.સી સહિતના વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગ સહિતના તાલીમાર્થીઓ બે દિવસની તાલીમ વર્ગમાં ભાગ લઇ રહ્યાં છે.