જૂનાગઢ- ઊના રેલવે ટ્રેક પાણીમાં, ૨૫૨ મુસાફરોને સલામત સ્થળે ખસેડાયાં

ગાંધીનગર– ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૯૬.૭૮ મી.મી. વરસાદ થયો છે, રાજ્યની સરેરાશના ૩૫.૭૧ ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. આજે સવારથી સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ગિર-ગઢડામાં ૧૩ ઇંચથી વધુ અને ઉનામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ થયો છે. ગિર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પરિણામે જૂનાગઢ-ઉના વચ્ચે મીટરગેજ રેલવે ટ્રેક પર એક ટ્રેન બન્ને તરફ પાણી ચઢી આવવાથી ફસાઇ ગઇ હતી. આ ટ્રેનમાં ૨૫૨ જેટલા મુસાફરો સવાર હતા. સ્થાનિક વહીવટી તંત્રએ તુરંત જ રાહત-બચાવ કામગીરી હાથ ધરીને એન.ડી.આર.એફ.ને જાણ કરી હતી. એન.ડી.આર.એફ.ની ટૂકડીએ તુરંત જ ૨૫૨ જેટલા મુસાફરોને ટ્રેનમાંથી સહી સલામત બહાર લાવીને સ્થાનિક-વાહનોની મદદથી સલામત સ્થળે ખસેડ્યાં હતાં.

રેલવે યાત્રીઓને બહાર લવાયાં પછીની તસવીર

ઉના વિસ્તારના કનેરી, કણાકીયા અને સનવાવ ગામોમાં પણ ચોમેર પાણી ભરાતાં આ ગામોમાં લોકો બચવા માટે સલામત સ્થળોએ ચઢી ગયા હતા. સ્થાનિક વહીવટી તંત્રએ તુરંત જ આ ગામોમાં સંપર્ક પ્રસ્થાપિત કરીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

જાફરાબાદ પાસેના સોખડા ગામમાં પણ ૩૦ જેટલા લોકો પાણીમાં ફસાયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સહુને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આજે દિવસ દરમિયાન ૧૯૫૫ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સમગ્ર રાજ્યની પૂરની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રાહત-બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ.ની ટૂકડીઓ તહેનાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ૪ ટૂકડીઓ અને ગિર-સોમનાથમાં ૨ ટૂકડીઓ કાર્યરત છે. જ્યારે જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર અને અરવલ્લીમાં એક-એક ટીમ તહેનાત છે. અમદાવાદમાં ર ટીમ સ્ટેન્ડ બાય છે. આ ઉપરાંત વડોદરા અને અમદાવાદમાં વધારાની પાંચ-પાંચ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.વીજ પૂરવઠાને પણ કયાંક કયાંક અસર થઇ છે. ભાવનગર જિલ્લાના ૮૦ ગામો, બોટાદ જિલ્લાનું ૧ ગામ, જૂનાગઢના ૪ ગામ, મોરબી જિલ્લાના ૯ ગામ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનું એક ગામ એમ કુલ ૯૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પાણી ઓસરતાં વીજ પૂરવઠો પૂર્વવત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

ભારે વરસાદને કારણે બે સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના ૧૨૫ માર્ગો અને અન્ય ૩ માર્ગો સહિત કુલ ૧૩૦ માર્ગો પ્રભાવિત થયા છે. જ્યાં વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, પરિણામે કયાંય કોઇ ગંભીર ઘટના બની નથી