પિતા સાથે પોલિસ સ્ટેશનમાં મારપીટ, પુત્રીએ ઝેર પી જીવ દઇ દીધો

જૂનાગઢ: જિલ્લાના વિસાવદરમાં એક યુવતીએ પોલિસ સ્ટેશનમાં જ આત્મહત્યા કર્યાનો બનાવ બન્યો હતો. પોલિસે યુવતીના પિતા સાથે કરેલાં વર્તાવનો વિરોધ કરતાં યુવતીએ આ પગલું ભર્યું હતું. જ્યારે યુવતીના પરિવારનો આક્ષેપ છે કે યુવતીને માર મારવાથી તેનું મોત નીપજ્યું છે.ઘટનાની વિગત અનુસાર પોલીસે ડિટેઈન કરેલા વાહનને પિતા અને પુત્રી છોડાવવા ગયા હતા. તે દરમિયાન પોલિસે પિતાને માર મારતાં યુવતી વચ્ચે પડી હતી અને પોલિસ સાથે બબાલ-મારપીટ થઇ હતી. જેથી લાગી આવતાં યુવતીએ પોલિસ સ્ટેશનના આંગણામાંમાં જ ઝેરી દવા પી લીધી હતી. જો કે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલેસ દ્વારા યુવતીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેને લઈને તેનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને રોષે ભરાયેલા પરિવારજનોએ યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. અને પોલીસ દમન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

યુવતીનો મૃતદેહ હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવથી વિસાવદરમાં કોઇ અઘટિત ઘટના ન બને તેની તકેદારીરુપે એસપી જાજડિયાની સૂચનાથી જૂનાગઢ, બિલખા, મેંદરડા, વંથલી સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવી દીધો છે.યુવતીનો મૃતદેહ પરિવારે સ્વિકારવાનો ઇન્કાર કરતા પોલીસ મુંઝવણમાં મુકાઇ છે. યુવતીના પિતા ત્રણ વાહનો ધરાવે છે અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.