વડાપ્રધાન મોદી પર ફિલ્મ બનાવવા ઈચ્છે છે જિગ્નેશ મેવાણી, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટર અનુપમ ખેરે ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નામની ફિલ્મમાં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું પાત્ર ભજવ્યું છે. અત્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે અને વાતાવરણ ગરમ બન્યું છે. ત્યારે ભાજપા અને કોંગ્રેસના નેતાઓની નિવેદનબાજી વચ્ચે જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે હું પીએમ મોદી પર એફ ફિલ્મ બનાવવા ઈચ્છુ છું.


પ્રાપ્ત થતી વિગતો અનુસાર જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે આ ફિલ્મનું નામ “ચોકીદાર હી ચોર હૈ” હશે. સાથે જ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે નોટબંધી, જીએસટી સહિત કૃષિ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓના કારણે જનતાનો વડાપ્રધાન મોદી પરથી વિશ્વાસ હટી ગયો છે.

વડાપ્રધાન મોદીને વિનાશકારી વડાપ્રધાન ગણાવતા મેવાણીએ કહ્યું કે હું ભાજપના ખોટા વાયદાઓનો ખુલાસો કરવા માંગુ છું. તેમણે કહ્યું કે જો “ચોકીદાર હી ચોર હૈ” જેવી ફિલ્મ બને તો તે શાહરુખ, સલમાન અને અમિર ખાનની ફિલ્મોથી પણ વધારે પૈસા કમાશે. આ સાથે જ મેવાણીએ ભાજપા અને કેન્દ્ર સરકાર પર ઘણા મુદ્દાઓને લઈને નિશાન સાધ્યું.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર ગુરુવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ 2004-2008 સુધી સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુના આ જ નામના એક પુસ્તક પર આધારિત છે. તેમાં 2014માં લોકસભા ચૂંટણી પહેલા સિંહને કોંગ્રેસની આંતરિક રાજનીતિના શિકારના રુપમાં જોવામાં આવ્યા છે.