‘અમદાવાદ બંધ’નું એલાન કરનાર જિજ્ઞેશ મેવાણીને પોલીસે અટકમાં લીધા

અમદાવાદ – પાટણ જિલ્લાના દલિત કાર્યકર્તા ભાનુભાઈ વણકરે ગયા ગુરુવારે કરેલા આત્મવિલોપનની ઘટનાના વિરોધમાં આજે ‘અમદાવાદ બંધ’નું એલાન કરનાર દલિત નેતા અને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીને પોલીસે અમદાવાદના સરસપુર વિસ્તારમાં અટકમાં લીધા હતા. મેવાણી વડગામના વિધાનસભ્ય છે.

મેવાણીએ સારંગપુર ખાતે ડો. બી.આર. આંબેડકરની પ્રતિમા ખાતે એકત્ર થવાની દલિત દેખાવકારોને હાકલ કરી હતી, પરંતુ તેઓ એ સ્થળે પહોંચે એ પહેલા જ પોલીસે સરસપુર ખાતે એમની કારને અટકાવી દીધી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત પોલીસે મેવાણીને અટકમાં લીધા હતા.

પોલીસે નવસાદ સોલંકી નામના એક અન્ય દલિત નેતાને પણ અટકમાં લીધા હતા.

આ બે નેતા ઉપરાંત પોલીસે બંધના એલાનને સફળ થતું રોકવા માટે ભીમશક્તિ સેના સંગઠનના ઓછામાં ઓછા 40 સભ્યોને અટકમાં લીધા હતા.

અટકમાં લેવામાં આવ્યા બાદ મેવાણીને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લઈ જવામાં આવ્યા હતા.

મેવાણીની ધરપકડ કરાયા બાદ ગાંધીનગરમાં દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ‘ચક્કા-જામ’ કર્યો હતો. એમણે રાજ્ય સરકારની વિરુદ્ધમાં તેમજ ‘મેવાણીને મુક્ત કરો’ એવા નારા લગાવ્યા હતા.

ભાનુભાઈ વણકરના મૃતદેહને પોસ્ટ-મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ વણકરના પરિવારજનોએ વણકરના મૃતદેહને સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

પરિવારજનોની માગણી છે કે વણકરના મૃત્યુના કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવામાં આવે. પરિવારના સમર્થનમાં સેંકડો દલિત દેખાવકારો સિવિલ હોસ્પિટલની બહાર એકત્ર થયા હતા.

પરિવારની બીજી માગણી એ છે કે સમગ્ર ગુજરાતમાં જે દલિતોને જમીન ફાળવવામાં આવી છે, પરંતુ માલિકીના દસ્તાવેજો આપવામાં આવ્યા નથી એ તમામને તે મંજૂર કરવામાં આવે.

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું કહેવું છે કે ભાનુભાઈ વણકરના નામની જમીન એમના પરિવારના કોઈ એક સભ્યને નામે ટ્રાન્સફર કરી આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]