જસદણ ચૂંટણીજંગઃ તંત્ર સુસજ્જ, 26 સ્થળોએ વેબકાસ્ટિંગ થશે

રાજકોટઃ આવતીકાલે 20 ડીસેમ્બરે જસદણ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. જેને લઇને ચૂંટણીપંચ અને સરકારીતંત્ર તમામ તૈયારીઓમાં લાગી ગયાં છે. આ સંદર્ભે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્ણાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બે સખી પોલિંગ બૂથ ઊભા કરવામાં આવશે જે સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત રહેશે.જસદણની ચૂંટણીમાં કુલ 2,32,600 મતદારો નોંધાયેલા છે જેમના માટે કુલ 159 સ્થળ પર 262 મતદાનમથક ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી બે પોલિંગ સ્ટેશનનું સંચાલન મહિલાઓ કરશે. મતદાન માટે ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. જસદણની પેટાચૂંટણીને લઈને અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 1100 જવાનો ફરજ બજાવશે. જેમાં 306 પોલિસકર્મી, 311 જીઆરડી, પેરામિલિટરીની છ કંપનીના 540 જવાનને તહેનાત કરવામાં આવ્યાં છે. 262 બૂથમાંથી 72 સ્થળો પર આવેલા 126 બૂથ પર સંવેદનશીલતાને લઇને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પેટાચૂંટણીમાં ફરજ બજાવવાનો ઇન્કાર કરનાર શિક્ષકો સામે લાલ આંખ કરતાં જિલ્લા કલેક્ટરે ગોંડલના બે આચાર્ય અને એક શિક્ષક વિરુદ્ધ ફરજ પર હાજર થવાનો ઇન્કાર કરવા બદલ વોરંટ કાઢ્યું હતું.મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા કોંગ્રેસના ધારાસભ્યની ઓડિયો ક્લિપ અંગે પંચને કોઈ જ ફરિયાદ મળી નથી. આરોગ્યવિભાગ તેમ જ ઊર્જાવિભાગ તરફથી રીપોર્ટ ચૂંટણીપંચને મળ્યો છે, જેનો અભ્યાસ કરીને તેને કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વીજ બિલ માફને લઈને ઊર્જાવિભાગ અને એઈમ્સની જાહેરાત અંગે આરોગ્યવિભાગ પાસેથી ચૂંટણીપંચે રીપોર્ટ માગ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]