જસદણનો જંગ: કોંગ્રેસમાં ભંગાણ, નગરપાલિકાનાં સદસ્ય જલ્પાબેને પહેર્યો કેસરીયો

જસદણ– ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સૌરાષ્ટ્રના જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ગુજરાતનુ રાજકારણ ગરમાયું છે. ઉમેદવારોને લઈને દિવસે ને દિવસે નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે, ત્યારે આજે ચૂંટણી અગાઉ જ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. નગરપાલિકાના સદસ્યા જલ્પાબેન કુબાવત વિધિવત રીતે ભાજપમાં કુંવરજીભાઈનાં સમર્થનમાં જોડાયા છે.વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના નગરપાલિકા સદસ્ય જલ્પાબેન કુબાવત ભાવનગરના સાંસદ સભ્ય ભારતીબેન શિયાળનાં હસ્તે  ભાજપનો ભગવો ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયાની જાહેરાત કરી છે.

જસદણ નગરપાલિકાનાં વોર્ડ નં -૨ સદસ્ય જલ્પાબેન કુબાવતે જસદણ- વિંછીયાનાં વિકાસનાં ભાગીદાર થવાં આજે ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું હતું.

૭૨- જસદણ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અન્વયે કુલ ૨૩૨૧૧૬ મતદાતાઓ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ૨૦મી ડિસેમ્બરે મતદાન યોજાશે, જ્યારે ૨૩મી ડિસેમ્બરે મતગણતરી થશે. આ મત વિસ્તારમાં ૧૨૨૧૮૦ પુરૂષ મતદારો તથા ૧૦૯૯૩૬ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠક ઘણા વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. જસદણની બેઠક ભાજપ હારી જાય તો કોંગ્રેસનું મનોબળ ખૂબ જ ઊંચું આવી શકે તેમ છે. તેમજ ખુદ મુખ્યપ્રધાન વિજય  રૂપાણી અને ભાજપની આબરુનું મોટું ધોવાણ થઇ શકે તેમ છે.