જસદણનો ચૂંટણી જંગ: કુંવરજીએ નોંધાવી ઉમેદવારી, કોંગ્રેસે સસ્પેન્સ જાળવ્યું

જસદણ– પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કુંવરજી બાવળીયા ના ડમી તરીકે તેમના પત્ની પારુલબેન બાવળીયા પણ ફોર્મ ભર્યું છે.તો બીજી તરફ કોંગ્રેસ હજુ સુધી પોતાનો ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસ જસદણ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને લઇને અસમંજસમાં છે. પેનલમાં મોકલેલા પાંચેય દાવેદારોને ફોર્મ તૈયાર રાખવા હાઇકમાન્ડે આદેશ આપ્યો છે. ઉમેદવારોની છેલ્લી ઘડીએ પસંદગી કરીને ભૂલો કરવાની કોંગ્રેસની પરંપરા હજુ પણ યથાવત રહી છે. જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જસદણ પેટા ચૂંટણીના રાજકીય ઘસામાણ વચ્ચે કોંગ્રેસે પણ કમર કસી છે. જસદણ બેઠક પરથી કોંગ્રેસના  ભોળાભાઈ ગોહીલે પણ ફોર્મ લીધા છે.  કોંગ્રેસ અવસર નાકીયા,  મનસુખ ઝાપડિયા, વિનુધડુક  અને ગજેન્દ્ર રામાણીમાંથી કોઈપણ એક ઉમેદવારને ટિકિટ આપી શકે છે. આ તમામ નામોમાંથી અવસર નાકીયાનું નામ  સૌથી  મોખરે ચાલી રહ્યુ છે. જસદણ બેઠક પર અત્યારસુધીમાં કુલ 53 લોકોએ ફોર્મ લીધા છે.

આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી. જેમાં રાજકોટ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો ઉમટ્યા હતાં. પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને બેકફૂટ પર ધકેલવા ભાજપે પણ રણનીતિ તૈયાર કરી છે. જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારે જસદણ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકાર પાટીદારોના નિશાને રહી છે કેમકે,એક જ સવાલ પૂછાઇ રહ્યો છે કે, જો મહારાષ્ટ્ર સરકાર અનામતનો નિવેડો લાવી શકી તો ગુજરાતમાં ભાજપ સરકાર કેમ પાટીદારોને લોલીપોપ આપી રહી છે. આમ,પાટીદારો હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં છે. ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છે કે,પાટીદારો ભાજપ વિરોધી મતદાન કરશે તો, કુંવરજી બાવળિયાને લીલાતોરણે ઘેર પરત ફરવુ પડશે. પાટીદારો ભાજપને જસદણની પેટાચૂંટણીમાં રાજકીય સબક શીખવાડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. હાર્દિક પટેલ પણ ભાજપને ચૂંટણી મેદાને હરાવવા મેદાને પડયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]