જસદણમાં પ્રચારજંગ અંતિમ સ્તરે, બંને પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ મેદાનમાં…

રાજકોટઃ આગામી 20 મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની જસદણ બેઠક માટે મતદાન થવાનું છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થવાના છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારે જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે. કારણ કે જસદણની પેટા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ છે.

જસદણ બેઠક વિશે વાત કરીએ તો આ બેઠક પર વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે અને એટલે આ ચૂંટણી યોજાઈ રહી છે. બાવળિયાએ રાજીનામું આપતાની સાથે જ ભાજપે કુંવરજી બાવળીયાને પ્રધાન પદ આપ્યું હતું.

તો આ સાથે જ સામે પક્ષે કોંગ્રેસમાંથી કુંવરજીનાં ચેલા અવસર નાકિયાને ઉમેદવાર બનાવ્યા છે. નાકિયા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ પણ હતા. મહત્વનું છે કે આ બેઠક પર એક લાખ 21 હજાર વધુ પુરુષ ઉમેદવાર અને એક લાખ નવ હજારથી વધુ મહિલા મતદારો છે. ત્યારે આ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાની છે.

જસદણની પેટાચૂંટણીનો ગરમાવો એટલો બધો છે કે કોંગ્રેસ અને ભાજપનાં પ્રદેશ પ્રભારીઓને ગુજરાતમાં આવવું પડ્યું છે. ભાજપ કોંગ્રેસનાં નાનમાં નાના નેતાઓ જસદણમાં ફરી રહ્યાં છે. ભાજપ કોંગ્રેસનાં 80 ધારાસભ્યો જસદણમાં ધામા નાખીને બેઠા છે. માત્ર જસદણમાં જ નહીં આસપાસનાં ગામડાઓમાં કાર્યકરોનાં ઘરે ભાજપ કોંગ્રેસનાં નેતાઓ ધારાસભ્યો , હોદ્દેદારો રાજકીય મહેમાન બન્યા છે. ઘણાં હોટલોમાં રહ્યાં છે તો ઘણાં ઘર ભાડે રાખીને રહ્યાં છે.