જામનગરઃ કિરીટ જોષી હત્યાકાંડ મામલે મહત્વનો ખુલાસો

જામનગરઃ જામનગરમાં વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં એક મહત્વનો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. કિરીટ જોષીની હત્યાનું એક પગેરું રાજકોટથી મળ્યું છે. રાજકોટના કોઈ શખ્સે 2 કરોડ રૂપિયામાં કિરીટ જોશીની હત્યાની સોપારી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ પોલીસને આ અંગે બાતમી મળતાં રાજકોટ પોલીસે આ શખ્સની શોધખોળ શરૂ કરી છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલાં છરીના 20 જેટલા ઘાતક ઘા મારી જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની હત્યા કરી નાખવાની ઘટનાએ સમગ્ર જામનગર શહેરને હચમચાવી નાખ્યું હતું. અતિ ધમધમતા અને ભરચક ટાઉનહોલ વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી વકીલ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ હત્યાને પૂર્વ આયોજિત કાવતરું રચી અંજામ આપ્યા હોવાનું ખૂલ્યું હતું. આ હત્યા પાછળ રૂપિયા 100 કરોડના જમીનનો મામલો કારણભૂત હોવાની ચર્ચા થઈ રહી છે.

પોલીસે સમગ્ર મામલે રાજકોટના વિસ્તારોના આરોપીઓના સીસીટીવી તપાસ્યાં હતાં. જેમાં તે શખ્સો જુદાજુદા વિસ્તારોમાં ફરતા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. પોલીસે રાજકોટના ગોંડલ ચોકડી, ઉમિયા ચોક અને રિંગ રોડ સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસ્યાં હતાં.

કિરીટ જોશીનો હત્યારો રાજકોટમાં જ રોકાયો હતો. કિલર અન્ય 3 શખ્સો સાથે રાજકોટની એક હોટલમાં રોકાયો હતો. ત્યારે જામનગર LCBએ રાજકોટ પોલીસ પાસેથી CCTV કબજે કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે, કિરીટભાઈ જોષીની હત્યા જામનગરના ભૂમાફિયા જયેશ રાણપરિયાએ Rs 50 લાખની સોપારી આપી કરાવી હતી. આયોજનબદ્ધ હત્યામાં રેકી અને હત્યારાને શોધવા સહિતની કામગીરી કરનાર સૂત્રધાર મુંબઈના સાયમન લુઈસ દેવીનંદન અને અજય મોહનપ્રકાશ મહેતા નામના શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી લીધાં હતાં.