વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. તેને ગૃહમાં દાખલ કરવામાં આવી છે, અને આજથી સાત દિવસ દરમિયાન ચર્ચા થશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાં ઉભા થઈને અવિશ્વાસ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરવામાં આવેલા અન્યાયના મુદ્દે 28 ફેબ્રુઆરીએ આ દરખાસ્ત કરવામાં આવી હતી.

કોંગ્રેસની આ દરખાસ્ત દાખલ થાય તે પહેલા સરકાર અને કોંગ્રેસના સિનીયર સભ્યો તથા પ્રધાનો વચ્ચે છેલ્લા બે દિવસથી તબક્કાવાર બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. પરંતુ વિરોધપક્ષ કોંગ્રેસે તેમના ત્રણ ધારાસભ્યોના એકથી ત્રણ વર્ષના સસ્પેશનનો અધિકાર અધ્યક્ષ કે સરકારને નથી, તેવી દલીલ કરી હતી.

બીજી તરફ રુપાણી સરકારે કોંગ્રેસના 3 ધારાસભ્યોનું સસ્પેશન 3 વર્ષથી ઘટાડીને 1 વર્ષનું કરવાની તૈયારી દર્શાવી હતી.

કોંગ્રેસ ટસમસ થઈ ન હતી. કોંગ્રેસે વિધાનસભાના નિયમો ટાંકીને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કોઈ જોગવાઈ કે નિયમો ન હોવાનું જણાવ્યું હતું. સરકારે બહુમતીના જોરે આ સસ્પેસન આપ્યું છે, તેવો આક્ષેપ પણ લગાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અધ્યક્ષને પત્ર લખીને સસ્પેશન ગેરકાયદે હોવાની રજૂઆત કરી હતી અને તેને રદ કરવા માંગ પણ કરી હતી.