60 દેશોનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે તા. ૨૯ સપ્ટેમ્બર થી રજી ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન યોજાઇ રહેલા મહાત્મા ગાંધી ઇન્ટરનેશલન સેનીટેશન કન્વેન્શન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલ ૬૦ દેશના ૧૩૮ ડેલીગેટ્સનું ઉચ્ચકક્ષાનું પ્રતિનિધિ મંડળ તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યું છે. જેમાં ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરીને આ ડેલીગેશન પ્રત્યક્ષ નિહાળશે. તો આ સાથે જ ગાંધીનગરના મહાત્મા મંદિર તેમજ અમદાવાદ સાબરમતી આશ્રમની પણ તેઓ મુલાકાત લેશે અને રાજ્યપાલ સાથે ભોજન પણ કરશે.

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરુપે કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કુલ 137 લોકો ગુજરાતની મુલાકાત લેશે જેમાંથી 116 ફોરેન ડેલિગેશન, 46 પ્રધાનકક્ષાના અને સાથે ઉઝબેકિસ્તાનના ડેપ્યૂટી પીએમ પણ ગુજરાતની મુલાકાત લેશે.

આ પ્રતિનિધિ મંડળમાં ઉઝબેકિસ્તાનના નાયબ વડાપ્રધાન સુખરોબ ખોલમુરાદો સહિત વિવિધ ૪૬ દેશોના પ્રધાનો ઉપસ્થિત રહેશે. જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભુતાન, બોલિવિયા, કંબોડિયા, ચાડ, કોસ્ટારિકા, ઇથોપિયા, ઘાના, ગુયેના, કેન્યા, કીરીબાકી, માલદીવ, માલ્ટા, માંગોલિયા, મોરોક્કો, મોઝામ્બિક, મ્યાનમાંર, નેપાળ, નાઇજર, પેરુ, દક્ષિણ સુદાન, શ્રીલંકા, સુદાન, તાન્ઝાનિયા, તઝાકિસ્તાન, થાઇલેન્ડ, તુર્કમેનિસ્તાન, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન, વિયેતનામ, ઝામ્બિયા, માલી, લાઇબેરિયા, ઇજીપ્ત, અંગલા, મડાગાસ્કર, હૈતિ, જોર્ડન અને સિંગાપુર જેવા ૬૦ દેશોના પ્રધાનો અને પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રતિનિધિ મંડળ સાથે દેશના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.