માઉન્ટ આબુના નક્કી સરોવરની સહેલ હવે તિરંગાની સાક્ષીએ માણો

માઉન્ટ આબુઃ ગુજરાતીઓમાં માનીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ પડે એટલે હોઠ ઉપર ત્યાંનું સૌથી જાણીતું સ્થળ નક્કી લેક હોઠ પર સૌથી પહેલા આવે છે. પહાડોની વચ્ચે આ નક્કી સરોવરના કાંઠે સવાર અને સાંજે પસાર કરેલી પળો પણ કેટલાકની સ્મૃતિમાં તાજી થઇ પડે છે. હવે સરોવર દેશભક્તિના રંગે રંગાયું હોય તેમ તેમાં પાણી વચ્ચે ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. જેના લીધે સૌંદર્ય બેવડાઈ ગયું છે. નક્કીમાં બોટિંગ કરતી વખતે કે નજીકના ટોડ રોક ઉપરથી પાણીની વચ્ચોવચ લહેરાતા તિરંગાનું દ્રશ્ય અદ્ભુત બન્યું છે.

નક્કી સરોવરનું પાણી સરેરાશ 4 થી 5 માથા જેટલું ઊંડું છે. તેથી તેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ કપરું કામ હતું. અગાઉ માઉન્ટ આબુની નગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટના સ્વાતંત્ર દિન નિમિત્તે તેની શરૂઆત કરવાનું સરકારી ધોરણે નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ છેવટે અઘરું કામ પાર પાડીને સરોવરમાં પોલ ઉભો કરી દશેરાના દિવસથી તિરંગો ફરકાવવામાં આવ્યો છે. નજીકના જયપુર પેલેસથી જોઈએ કે દૂર હનીમૂન પોઇન્ટથી જોઈએ તો પણ રાષ્ટ્રધ્વજ ફરકતો દ્રશ્યમાન થાય છે.

ફરકતા રાષ્ટ્રધ્વજથી માઉન્ટ આબુ અને નક્કી લેકની શાનમાં વધારો થયો છે. ત્યાં જઈને સેલ્ફી ફોટો લેવાનું સહેલાણીઓમાં આકર્ષણ જામ્યું છે. બ્રહ્માકુમારી સંસ્થાનુ વડુ મથક હોવાથી માઉન્ટ આબુની સુંદરતા વધારવા તેઓ તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે. બ્રહ્માકુમારી દ્વારા અલૌકિક વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે અને તેમાં પણ હવે બીજી તરફ તિરંગો લહેરાતા તેની ચાંદનીમાં ચાર ચાંદ લાગી ગયા છે.

102 ફૂટની ઊંચાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ રાજસ્થાનમાં સૌથી ઊંચો હોવાનો રેકોર્ડ છે. ત્યાં નેશનલ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને તેનો ઉદઘાટન કાર્યક્રમ સવિશેષ બની રહ્યો હતો. કારણ કે નગરપાલિકાના 117 સફાઈ કર્મચારીઓ અને તેમાં સૌથી સિનિયર કર્મચારી શારદાબહેને તેનું ઓપનીંગ કર્યુ હતું. રામ જાનકી મંદિર, હનુમાન મંદિર, રઘુનાથ મંદિર સહિતના વિસ્તારો પણ લાઈમ લાઈટમાં આવી ગયા છે. કારણકે પ્રવાસીઓનો ધસારો હવે છેક નેશનલ પાર્ક સુધી જોવા મળે છે. અગાઉ એવું થતું હતું કે સહેલાણીઓ નક્કી લેકના ગેટ સુધી આવીને તેમજ ખાણીપીણી અને બોટિંગ પૂર્ણ કરીને પાછા ફરતા હતા, ત્યારે હવે તિરંગો લોકોને તેના મૂળ સુધી આકર્ષે છે. પ્રવાસીઓ સમગ્ર નક્કી લેકની ફરતે વિઝીટ કરીને ફરતા થયા છે. જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નર્મદામાં ટુરિસ્ટની સંખ્યામાં માતબર વધારો થયો છે, તેટલું જ અહીં માઉન્ટ આબુમાં નક્કી લેક પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી પ્રવાસીઓનું આકર્ષણ વધ્યું છે.

(જિજ્ઞેશ ઠાકર)