2022 સુધીમાં 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય: VG-2019

ગાંધીનગર-  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019માં આ વખતે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા “ગુજરાત અને ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રહેલી તકો” વિષય પર 20 જાન્યુઆરી 2019ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો હેતુ ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ભૂમિકા અંગે વિચાર-વિમર્શ કરવાનો છે.

19 જાન્યુઆરી, ના રોજ ઈન્ટરનેશનલ સોલાર અલાયન્સ (ISA) દ્વારા એક અલગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય રાજ્ય ઊર્જા પ્રધાન આર. કે. સિંઘ ઉપસ્થિત રહેશે. સેમિનારમાં આઈએસએ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરાશે જેમાં સ્કેલિંગ અપ ફાઇનાન્સિંગ, મીની-ગ્રીડ સિસ્ટમ્સ, સ્કેલિંગ સોલર રૂફટોપ્સ એન્ડ સ્ટોરેજ & ઈ-મોબિલિટી સોલરનો ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધીમાં આઈએસએ 72 દેશો સાથે સંધિ આઘારિત જોડાણ પર હસ્તાક્ષર કર્યા છે.

કેન્દ્રીય રાજ્ય ઊર્જા પ્રધાન આર. કે. સિંઘ

ભારત સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયે પેરિસ ક્લાયમેટ  સમજૂતી મુજબ વર્ષ 2022 સુધીમાં દેશમાં 175 ગીગા વોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરવાનું જે લક્ષ્ય રાખ્યુ છે તેને સમયમર્યાદા પહેલાં પહોંચી વળવા આયોજન કર્યુ છે. એટલું જ નહીં વર્ષ 2022 સુધીમાં 227 ગીગા વોટનું ઊર્જા ઉત્પાદન કરવાનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વિન્ડ સોલાર હાઈબ્રીડ પોલિસી 2018 સહિત સૌર અને પવન ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે અનેકવિધ નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં પોતાની જરૂરિયાત મુજબની સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકે અને વધારાની વીજળીનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવી શકે તેવા હેતુથી સૌર શક્તિ કિસાન યોજના (SKY) નો શુભારંભ પણ કરવામાં આવ્યો છે.

અધિક મુખ્ય સચિવ રાજ ગોપાલ

રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ ગોપાલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે “રિન્યૂએબલ એનર્જી એટ્રેક્ટીવનેસ ઇન્ડેક્સ 2017” વિશ્વમાં ભારત બીજા ક્રમે છે તેમજ વર્ષ- 2022 સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરશે. સમગ્ર ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનમાં ગુજરાત 12 ટકા જેટલું યોગદાન આપે છે. પવન ઊર્જાના ઉત્પાદનમાં ભારત ભરમાં ગુજરાત બીજા સ્થાને છે તેમજ ભારતમાં થતાં કુલ સૌર ઊર્જાના ઉત્પાદનમાં 8% હિસ્સો ધરાવે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન માટે ગુજરાત અંદાજિત 100 ગીગા વોટની ક્ષમતા ધરાવે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.”

તેમણે વધુમાં જણાવ્યું  હતું કે, “વર્ષ -2003 માં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં 100 થી વધુ મોટા રોકાણો થયા છે, જેમાં કુલ રૂપિયા 40,000 કરોડનું રોકાણ થયું છે.

પાટણ જિલ્લાના ચારણકા ખાતે પ્રથમવાર બહુમુખી સુવિધા ધરાવતો 600 મેગાવોટ અલ્ટ્રા મેગા સોલર પાર્ક તેમજ ગાંધીનગર ખાતે ગ્રીડ કનેક્ટેડ તેમજ વડોદરા ખાતે કેનાલ પર સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ધોલેરા એસઆઈઆર ખાતે 5000 મેગાવૉટના અલ્ટ્રામેગા સોલર પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે, જે દરિયાકિનારાની ખારાશવાળી જમીનમાં સ્થાપવામાં આવશે. જેમાં જીયુવીએનએલ દ્વારા પ્રથમ 1000 મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવનાર છે. ભારતનો સૌ પ્રથમ 1000 વોટ મેગાવોટ પવન ઊર્જા ઉત્પાદનની ક્ષમતા ધરાવતો પ્રોજેક્ટ ગુજરાતના દરિયાકિનારે આવેલા ખંભાતના અખાતમાં સ્થાપવા દેશના જાણીતા રોકાણકારોએ ખૂબ જ રસ દાખવ્યો છે.